Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા ખોટી રીતે લાભ લેતા 1950 જેટલા રેશનકાર્ડ રદ કરવાની સાથે વધુ તપાસ હાથ ધરી

આણંદ : આણંદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આણંદ આરટીઓ કચેરીમાંથી ફોર વ્હીલર વાહન ધરાવતા વાહનમાલિકોની યાદી મંગાવી ચકાસણીની કામગીરી હાથ ધરતા ખોટી રીતે લાભ લેતા ૧૯૫૦ જેટલા રેશનકાર્ડ રદ કરવાની સાથે આગામી સમયમાં હજુ આ આંકડો વધવાની શક્યતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અંત્યોદય, બીપીએલ સાથે એનએફએસએમાં સમાવિષ્ટ થયેલ રેશનકાર્ડ ધારકોને રાહત દરે ઘઉં, ચોખા સહિતના અનાજનું વિતરણ કરવામાં આવે છે. જો કે સરકાર દ્વારા રાહતદરે વિતરણ કરવામાં આવતા આ અનાજના જથ્થાનો કેટલાક બિનજરૂરી લોકો પણ લાભ મેળવી રહ્યા હોવાની ઉઠેલ ફરિયાદને પગલે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત તંત્ર દ્વારા આણંદ આરટીઓ કચેરી પાસેથી ફોરવ્હીલર ધરાવતા વાહનમાલિકોની યાદી મંગાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત આણંદ તાલુકાના આઠ મામલતદાર કચેરીમાં આ અંગે સુચના આપ્યા બાદ માત્ર એક જ માસમાં કુલ ૪૧૫ જેટલા રેશનકાર્ડ રદ કરવાની સાથે અત્યાર સુધીમાં ૧૯૫૦ જેટલા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આણંદ જિલ્લામાં ખોટી રીતે બીપીએલ કે અંત્યોદય યોજનામાં રેશનકાર્ડ ધરાવતા આર્થિક રીતે સંપન્ન અને ફોરવ્હીલર વાહનો ધરાવતા રેશનકાર્ડ ધારકો ખોટી રીતે લાભ મેળવતા હોવા અંગેની ફરિયાદને પગલે તંત્ર દ્વારા કડક વલણ દાખવી તપાસ હાથ ધરી કામગીરી કરાતા ખોટી રીતે લાભ મેળવતા પરિવારોમાં ફફડાટ વ્યાપ્યો છે.

(6:01 pm IST)