Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

વલસાડના ડુમલાવ ગામમાં પશુઓમાં ખરમાન નામનો રોગચાળો : 10થી વધુ પશુઓના મોતનો પશુપાલકોનો દાવો

વલસાડ જિલ્લાના ડુમલાવ ગામમાં ખરમાન નામનો રોગ 10થી વધુ પશુઓને ભરખી ગયો છે.આ રોગએ પશુ પાલકોમાં ફફડાટ ફેલાવ્યો છે. અને પશુઓના મોતથી પશુપાલકો આર્થિક મુસીબતમાં મુકાઈ રહ્યા છે.

પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પશુપાલકો ઉપર આફત આવી છે. જે પશુઓ થકી તેમનું ગુજરાન ચાલે છે એવા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ડુમલાવ ગામના પશુઓમાં ખરમાન નામનો રોગ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે આ રોગની ચપેટમાં આવેલા પશુઓ પહેલા પગ ખંખેરે છે, પછી મોં માંથી પાણી પડવાનું ચાલુ થાય છે. આ ચિન્હ દેખાઈ એટલે સમજવાનું કે પશુ ખરમાનમાં સપડાઈ ગયું છે.

ખરમાન રોગ અત્યારસુધી 15 થી 20 ઢોરને ભરખી ગયો છે. પશુપાલકોનું માનીએ તો આ રોગ ચેપીરોગ છે અને રોગના સકંજામાં આવેલા પશુઓને સારવાર ન મળે તો તેમનું મૃત્યુ થાય છે. અને સારા થયેલા પશુઓ પણ દૂધ ઓછું આપતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેના કારણે પશુપાલકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. તેમાં પણ જેમણે પશુઓ માટે લોન લીધી છે તેમની હાલત તો ખુબજ કફોડી બની રહી છે. તો બીજી તરફ સરકારી વિભાગના પશુ ચિકિત્સકએ પશુઓની સારવાર માટે કોઈ પગલા લીધા ન હોવાનું પણ પશુપાલકોનું કહેવું છે.

બીજી બાજુ જિલ્લા પંચાયતના પશુ વિભાગનું કહેવું છે કે રોગના કારણે માત્ર 2 થી 3 પશુઓના જ મોત થયા છે. અને હાલ પરિસ્થિતિ કાબુમાં છે.તો સાથે સાથે પશુઓને વેક્સીન પણ અપાઈ હોવાનું તબીબનું કહેવું છે

(8:02 pm IST)