Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સાબરકાંઠા જિલ્લાના ઇડર સહીત હિંમતનગરમાં ખાણ ખનીજ વિભાગના દરોડા :ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પરો મળી આવ્યા

સાબરકાંઠા: જિલ્લાના ઈડર અને હિંમતનગર પંથકમાં જિલ્લાના ખાણ ખનીજ વિભાગે બે દિવસ દરમિયાન સપાટો બોલાવી ખનીજ ચોરીમાં બે જે.સી.બી., એક ટ્રેકટર અને ત્રણ ડમ્પરોને ઝડપી લઈ ખનીજ માફીયાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. તંત્રએ ખનીજ ચોરીમાં રૃા. ૧.૫૦ કરોડના મશીનો અને વાહનો સહિતનો મુદમાલ જપ્ત કરી હિંમતનગર તેમજ ઈડર પો.સ્ટે.ના તાબામાં વાહનો મુકાવી વાહન માલીકો વિરૂધ્ધ અંદાજે રૃા. ૧૦ લાખનો દંડ વસુલવા તજવીજ શરૂ કરી છે. ઈડર અને હિંમતનગર વિસ્તારોમાં વિભાગ દ્વારા આકસ્મીક રેડ કરીને ખનીજ ચોરો ઉપર બે દિવસ સુધી તવાઈ બોલાવી હતી. જેમાં ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીએ ઈડર તેમજ હિંમતનગર વિસ્તારમાં ખનીજ ચોરી કરતા વિસ્તારોમાં રેડ કરવા ટીમોને મોકલી હતી. સોમવારે વિભાગની ટીમે ઈડર તાલુકાના લેઈ ખાતે સાદી માટી ખનીજનુ બિનઅધિકૃત રીતે ખનન કરતા જે.સી.બી. મશીન નં. જીજે.૦૮. એ.ઈ.૭૫૧૫ તથા એક ટ્રેકટર નં.જીજે.૦૨.ડી.જે.૭૧૮૫ને ઝડપી લઈ ઝપ્ત કરી ઈડર પોલીસ સ્ટેશન હવાલે બન્ને વાહનો મુકાવ્યા હતા. આ ઉપરાંત ઈડર તાલુકાના ગંભીરપુરા ગામેથી રોયલ્ટીપાસ વિના રેતી વહન કરતા ડમ્પર નં.જીજે. ૦૯.એ.યુ.૯૨૨૮ અને ઈડર ખાતેથી રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજનુ વહન કરતા ડમ્પર નંં. જીજે.૧૮.બી.ટી.૪૦૦૧ને ઝડપી લઈ વાહનો જપ્ત કરી ઈડર પો.સ્ટે. હવાલે મુકાવ્યા હતા. હિંમતનગરમાંથી રોયલ્ટી પાસ કરતા બિલ્ડીંગ સ્ટોન ખનીજનો વધુ જથ્થો ભરી નિકળેલા ડમ્પર નં.જીજે. ૦૮.એયુ.૮૬૧૬ તેમજ તાલુકાના પાણપુર ખાતેથી બીન અધિકૃત રીતે ખનન કામ કરતા એક જે.સી.બી. મશીનને ઝડપી લઈ જપ્ત કર્યુ હતુ. વિભાગે જપ્ત કરાયેલા મશીન અને વાહનને હિંમતનગરના ગ્રામ્ય પો.સ્ટે.ના હવાલે મુકાવી ખનીજ ચોરીમાં ઝડપાયેલા મશીન અને વાહનોના માલીકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અંદાજે રૃા. ૧૦ લાખના દંડની વસુલાત કરવા તજવીજ શરૂ કરી છે.

(7:31 pm IST)