Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ખંભાત તાલુકાના કલમસર ગામે નજીવી બાબતે યુવાન પર જીવલેણ હુમલો થતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

 ખંભાત: તાલુકાના કલમસર ગામે રહેતા એક યુવાન ઉપર ગઈકાલે રાત્રીના સુમારે મેલડી માતા મંદિર નજીક ચાર શખ્સોએ પાન મસાલા બાબતે ઝઘડો કરીને ચપ્પા અને લાકડીથી માર મારીને જીવલેણ ઈજાઓ પહોંચાડતા યુવાનને સારવાર માટે ખંભાતની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ અંગે ખંભાત રૂરલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર કલમસર ગામે રહેતો અને છુટક મજુરી તેમજ ટ્રક ઉપર ક્લીનર તરીકે કામ કરતો અરવિંદભાઈ ચંદુભાઈ સિંઘા ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે પોતાના મોટાભાઈ ગુલાબસિંહના ઘર તરફ જતો હતો ત્યારે મેલડી માતાના મંદિર નજીક અજય ઉર્ફે ભોટીયો દોલતસિંહ સિંઘા મળ્યો હતો જેણે અરવિંદ પાસે પાન મસાલાની માંગણી કરી હતી.પરંતુ અરવિંદે તેની પાસે નહીં હોવાનું જણાવતાં જ તુ કેમ આ બાજુ આવેલ છે તેમ જણાવીને ઝઘડો કર્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને તેના હાથમાનું ચપ્પુ જમણા હાથના કાંડા ઉપર તેમજ ગળાના ભાગે મારી દીધું હતુ. દરમ્યાન અજયનુ ઉપરાણુ લઈને દિલાવર ઉર્ફે દિલીપ નટુભાઈ ઉર્ફે હસુભાઈ સિંઘા, રાજુભાઈ નટુભાઈ ઉર્ફે હસુભાઈ સિંઘા અને નટુભાઈ ઉર્ફે હસુભાઈ સોમાભાઈ સિંઘા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને અરવિંદને લાકડીથી તેમજ ગડદાપાટુનો માર મારીને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં તેને ઉંચકીને મેલડી માતાના મંદિરના ઓટલા ઉપર મૂકીને ફરાર થઈ ગયા હતા. અરવિંદ જેમતેમ કરીને ઘરે ગયો હતો અને પડોશીને જાણ કરતાં તેમણે તેના મોટાભાઈ ગુલાબસિંહને જાણ કરતા જ તુરંત જ ખંભાતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ગુલાબસિંહની ફરિયાદને આધારે ખંભાત રૂરલ પોલીસે ચારેય વિરૂદ્ઘ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:41 pm IST)