Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સરકાર ૧૦૦૦ બસની ખરીદી કરશે, ૫૦૦ સુપર એક્સપ્રેસ બસ ફાળવાશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ : રાજ્યના ૧૬૦૦ કિમીનો લાંબા દરિયા કિનારાને પ્રવાસન સ્થળની સાથે જોડવા કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે

ગાંધીનગર, તા.૧૨ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ કેબિનેટે લીધેલા નિર્ણયની માહિતી આપી હતી.  
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર મીડિયા સાથે વાત કરતા જિતુ વાઘાણીએ કહ્યુ કે, મુખ્યમંત્રીએ કોરોના અંગે ચર્ચા કરી છે. રાજ્ય સરકાર કોરોના સામે લડવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર કોરોના સંક્રમણ અટકાવવા જરૃરી પગલાં ભરી રહી છે. આ સાથે વાઇબ્રન્ટ સમિટ પણ રદ્દ કરી દેવામાં આવી છે.
રાજ્યના લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે ૧૦૦૦ નવી બસો ખરીદવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ બસો ખરીદવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ સાથે ૫૦૦ સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કર્યો છે. ૨૦૦ સ્લિપર કોચ બસ પણ ફાળવવામાં આવશે. જિતુ વાઘાણીએ કહ્યુ કે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડો નવો કોરિડોર બનાવવામાં આવશે. તો ભરૃચમાં નેશનલ હાઇવે ૮ પર ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે વધુ એક પુલ બનાવવાનો નિર્ણય કર્યો છે. સુરત ગેસ કાંડ પર વાત કરતા વાઘાણીએ કહ્યુ કે, તે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે સરકાર એલર્ટ છે.
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા સરકારના પ્રવક્તાએ કહ્યુ કે, રાજ્યમાં ૧૬૦૦ કિમીનો લાંબો દરિયા કિનારો આવેલો છે. તેને પ્રવાસન સ્થળની સાથે જોડતા એક કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે. આ માટે ૨૪૪૦ કરોડ રૃપિયાનો ખર્ચ થશે.

 

(8:49 pm IST)