Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કોરોનાની ત્રીજી લહેર દરમિયાન માતા-પિતાઓને બાળકોની સલામતી-સાવચેતીના વિશેષ પગલાં લેવા:ડોકટરોની અપીલ

માતા પિતાઓએ કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટને સામાન્ય શરદીનો વાયરસ ન ગણવો જોઈએ

અમદાવાદ :કોરોના વાયરસના અતિ ચેપી ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોવિડ-19 કેસોમાં ઝડપથી થયેલા મોટા વધારાને પગલે ડૉક્ટર્સે માતાપિતાઓને વાયરલ ઇન્ફેક્શનથી તેમના બાળકોને સુરક્ષિત રાખવા સાવચેતીના વિશેષ પગલાં લેવાની ભલામણ કરી છે.

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ગુજરાત સ્ટેટ કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. મહર્ષિ દેસાઈ માને છે કે, માતાપિતાઓએ તેમના બાળકોને ગીચતા હોય એવા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓના પાર્કમાં રમવા ન મોકલવા જોઈએ.

ડૉ. દેસાઈએ કહ્યું હતું કે, “અત્યાર સુધી આપણે કોવિડ-19 સાથે સંક્રમિત બાળકોમાં હળવા ચિહ્નો જોતાં હતાં કે કોઈ ચિહ્નો જોવા મળતાં નહોતાં. જોકે તેઓ સંક્રમિત થઈ શકે છે અને ચિહ્ન ન ધરાવતા કોરોનાવાહક બની શકે એવું જોખમ છે. છેવટે તેઓ તેમના ઘરમાં વડીલોને સંક્રમિત કરશે, જેમને વધારે જોખમ છે.”

ડૉ. દેસાઈએ માતાપિતાઓને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી કે, જ્યારે રસી ઉપલબ્ધ થાય, ત્યારે તેમના બાળકોને કોવિડ-19 સામેની રસી મૂકાવી જોઈએ. “માતાપિતાઓએ કોવિડ-19 સામે તેમના બાળકોને રસી લેવડાવવી જોઈએ. તેમાં ખચકાટ ન અનુભવવો જોઈએ. રસી સંપૂર્ણપણે સલામત છે અને કોરોનાવાયરસ સામે નોંધપાત્ર રોગપ્રતિકારક ક્ષમતા પ્રદાન કરે છે.”

અપોલો હોસ્પિટલ્સમાં પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ ડૉ. પુષ્કર શ્રીવાસ્તવે માતાપિતાઓને કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ સામાન્ય શરદીનો વાયરસ ન ગણવાની ચેતવણી આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે બાળકોને વાયરસ સામે સુરક્ષિત રાખવા તેમની અવરજવર નિયંત્રિત કરવાની જરૂર છે, ત્યારે માતાપિતાઓએ એવું પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે બાળકો શારીરિક રીતે નિષ્ક્રિય ન થાય અને ઘરે મોબાઇલ કે ટેલીવિઝનની સ્ક્રીન સામે ચીપકી ન રહે.

તેમણે કહ્યું હતું કે, “બીજી લહેર દરમિયાન અમને મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન (એમઆઇએસ-સી)ના ઘણાં કેસ મળ્યાં હતાં અને માતાપિતાઓને જાણ પણ નહોતી કે, બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, કારણ કે એમઆઇએસ-સીના ચિહ્નો કોવિડ પછી 4થી 8 અઠવાડિયાના ગાળા બાદ જોવા મળે છે. એટલે કોવિડ-19થી બાળકોને બચાવવા મહત્વપૂર્ણ છે, કારણ કે ઓમિક્રોનને કારણે કોવિડ-19 ગમે એટલો હળવો હોવા છતાં ત્રીજી લહેર પછી એમઆઇએસ-સીના કેસોમાં વધારો થઈ શકે છે.”

નોંધપાત્ર બાબત એ છે કે, એમઆઇએસ-સી એવી સ્થિતિ છે, જેમાં શરીરના જુદાં જુદાં અંગોમાં સોજા આવે છે, જેમાં હૃદય, ફેંફસા, કિડની, મગજ, ત્વચા, આંખો, કે પેટ-આંતરડાના અંગો સામેલ છે.

ડો. શ્રીવાસ્તવે ઉમેર્યું હતું કે, “કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ અને એમઆઇએસ-સી વચ્ચેનો સહસંબંધ ત્રીજી લહેરના 1થી 2 મહિના પછી સ્પષ્ટ થશે. લોકોએ જરા પણ બેદરકારી દાખવવી ન જોઈએ, કારણ કે વેરિઅન્ટ હળવો કોવિડ-19 ન્યૂમોનિયાનું કારણ બને છે.” પીડિયાટ્રિશિયને માતાપિતાઓને ઉત્તરાયણ દરમિયાન વધારે સાવચેત રહેવા પણ કહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, “હું લોકોને વધારે સંખ્યા હોય એવી અગાશીમાં જવાનું ટાળવાની અને પરિવારના સભ્યો સાથે જ તહેવારની ઉજવણી કરવા અપીલ કરું છું. ઉપરાંત લોકોએ સારી ગુણવત્તાયુક્ત માસ્ક પહેરવું જોઈએ અને બાળકોને ચીસો પાડવાથી દૂર રાખવા જોઈએ, કારણ કે એથી હવામાં બુંદો ફેલાશે.”

ડો. શ્રીવાસ્તવે એવું પણ કહ્યું હતું કે, માતાપિતાઓએ કોવિડ-19 કેસોમાં વધારો થવા છતાં તેમના બાળકોના રસીકરણમાં વિલંબ ન કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, “સમયસર નિયમિત રસી ન લેવાથી માતાપિતાઓ તેમના બાળકોને અન્ય નિવારી શકાય એવા રોગોના જોખમમાં મૂકે છે. હોસ્પિટલો નિયમિત રસીકરણ માટે સલામત છે અને માતાપિતાઓએ હોસ્પિટલોમાં ટોળામાં જવાનું ટાળીને એપોઇન્ટમેન્ટ લઈને જ રસી લેવા જવું જોઈએ.”

(10:27 pm IST)