Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગુજરાતના સરકારી પુસ્‍તકાલયોને ‘સિંધુડો' અને ‘મેઘાણીગાથા'ની નવીન સંવર્ધિત આવૃત્તિ ભેટ અપાઇ

રાજકોટ તા. ૧૨ : સ્‍વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્‍તિનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો ઐતિહાસિક ધોલેરા સત્‍યાગ્રહ અવસરે - ૦૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ પ્રસિધ્‍ધ થયો હતો. આઝાદી કા અમૃત મહોત્‍સવ અને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ અંતર્ગત તથા ધોલેરા સત્‍યાગ્રહ - સિંધુડોની ૯૨મી જયંતી નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન દ્વારા સિંધુડોની નવીન સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરાઈ છે.

ગીતાર્થ ગચ્‍છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના ૭૮જ્રાક્ર જન્‍મવર્ષમાં મંગલમય પ્રવેશ (ચૈત્ર વદ દશમ) પ્રસંગે તથા પ્રવર્તિની પૂ. સાધ્‍વીવર્યા શ્રી વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.)ના ૭૩મા સંયમવર્ષ પ્રવેશ (વૈશાખ વદ છઠ્ઠ)ના મંગલમય અવસરે મુનિરાજ શ્રી યશેશયશ વિજય મ.સા.ની પ્રેરણાથી સાહિત્‍યપ્રેમી ગુરુભક્‍ત પરિવાર તરફથી આ બન્ને પુસ્‍તકો ગુજરાતના સરકારી પુસ્‍તકાલયોને ભેટ આપવામાં આવ્‍યાં હતાં. નાનપણથી જ રાષ્ટ્રીય-ભાવના ધરાવતાં અને ધોલેરાનાં મૂળ વતની પૂ. બેન મ.સા.એ લીંબડીમાં શાળા-અભ્‍યાસ દરમિયાન ઝવેરચંદ મેઘાણીને પ્રત્‍યક્ષ ગાતાં સાંભળ્‍યાં હતાં. જૈનકુળમાં જન્‍મેલા ઝવેરચંદ મેઘાણીએ માત્ર ૧૨ વર્ષની વયે જૈન પાઠશાળામાં પ્રથમ કાવ્‍યની રચના કરી હતી. આથી આનું સવિશેષ મહત્‍વ છે.

ગુજરાત રાજયના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર (આઈએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી મેઘાણી, લોકસેવક, સ્‍વાતંત્ર્ય-સેનાની વજુભાઈ શાહ - પૂર્વ સાંસદ જયાબેન શાહનાં પુત્ર અને અમેરિકા સ્‍થિત વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ શાહ, ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ગુજરાત સાહિત્‍ય અકાદમીના મહામાત્ર અને શિક્ષણવિદ્‌ ડો. જયેન્‍દ્રસિંહ જાદવ આ અવસરે ઉપસ્‍થિત રહ્યા હતા. જન્‍મભૂમિ ચોટીલા ખાતે ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મૃતિમાં ભવ્‍ય જન્‍મસ્‍થળ સ્‍મારક-સંકુલ (મ્‍યૂઝિયમ)નું નિર્માણ થાય તે માટે અગ્ર સચિવ અશ્વિની કુમાર સવિશેષ પ્રયત્‍નશીલ છે. અગ્ર સચિવ અશ્વિની કુમારની શાલિનતા અને સાલસતા સહુને સ્‍પર્શી ગઈ હતી.

ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સરકારી પુસ્‍તકાલયોને ગુજરાત સાહિત્‍ય અકાદમી તથા ગુર્જર ગ્રંથરત્‍ન કાર્યાલય દ્વારા પ્રકાશિત સમગ્ર મેઘાણી-સાહિત્‍ય પણ અગાઉ ભેટ આપવામાં આવ્‍યું છે. ઝવેરચંદ મેઘાણી વિશે ગુજરાત સરકારના વેબ-પોર્ટલ www.meghani125.gujarat.gov.inમાં સમગ્ર મેઘાણી-સાહિત્‍યને ઈ-બુક સ્‍વરૂપે ઉપલબ્‍ધ કરાવવાનું ભગીરથ કાર્ય સિગ્નેટ ઈન્‍ફોટેક - અપૂર્વ આશર દ્વારા પૂર્ણ કરવામાં આવ્‍યું છે. ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા ગુજરાત ગૌરવગાથા શ્રેણી અંતર્ગત ૭૫ જેટલાં સ્‍વાતંત્ર્ય-સેનાનીઓની પુસ્‍તિકાઓ પ્રકાશિત કરવામાં આવશે જેમાં પ્રથમ ચરણમાં ૨૫ પુસ્‍તિકાઓ પ્રગટ થઈ ચૂકી છે. ધોલેરા સત્‍યાગ્રહ, વિરમગામ સત્‍યાગ્રહ, રાજકોટ સત્‍યાગ્રહ સહિત ગુજરાત-સૌરાષ્ટ્રના અન્‍ય સત્‍યાગ્રહો વિશે ૧૯૭૦ના દશકમાં ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલાં અધિકૃત અને માહિતીસભર પુસ્‍તકોનું પણ પુનઃ મુદ્રણ કરવામાં આવે તે અંગે પિનાકી મેઘાણીએ અગ્ર સચિવ અશ્વિની કુમારને વિનંતી-પત્ર આપ્‍યો હતો. જૈનકુળમાં જન્‍મેલા ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મૃતિમાં અમદાવાદ ખાતે સમસ્‍ત જૈન સમાજ દ્વારા મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો) સ્‍વરાંજલિ કાર્યક્ર્‌મનું આયોજન ગુજરાત સરકારના સહયોગ અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સંયોજનથી થાય તેવી લોકલાગણી છે.

(10:37 am IST)