Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ધો. ૧૨ સાયન્‍સનું ૭૨.૦૨% પરિણામ : રાજકોટ જીલ્લો ૮૫.૭૮% સાથે રાજયમાં ટોપર

એ-૧ ગ્રેડમાં ૧૯૬ વિદ્યાર્થીઓ ચમક્‍યા : એ-૨ ગ્રેડમાં ૩૩૦૬ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ : લાઠી કેન્‍દ્રનું ૯૬.૧૨% સાથે ગુજરાત પ્રથમ અને સૌથી ઓછુ ૩૩.૩૩% લીમખેડા કેન્‍દ્રનું : ગુજકેટનું પરિણામ જાહેર : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કરેલ પરિણામ

રાજકોટ, તા. ૧૨ : ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ ધો. ૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરિક્ષાનું પરિણામ સવારે રાજયના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યુ છે. સમગ્ર ગુજરાત રાજયનું ધો.૧૨ સાયન્‍સનું ૭૨.૦૨% પરિણામ જાહેર થયુ છે.

શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં રાજયનું ૭૨.૦૨% પરિણામ સમગ્ર ગુજરાત રાજયમાં એજ્‍યુકેશન હબ તરીકે ઉભરી રહેલુ રાજકોટ જીલ્લાનું પરિણામ સૌથી વધુ આવ્‍યુ છે. રાજકોટ જીલ્લાનું ૮૫.૭૮% સાથે સમગ્ર ગુજરાત રાજયમાં ટોપર રહ્યુ છે. જયારે સૌથી ઓછુ પરિણામ દાહોદ જીલ્લાનું ૪૦.૧૯% આવ્‍યુ છે. લાઠી કેન્‍દ્રનું સૌથી વધારે ૯૬.૧૨% અને સૌથી ઓછુ લીમખેડા કેન્‍દ્રનું ૩૩.૩૩% પરિણામ આવ્‍યુ છે.

ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એ ૧ ગ્રેડમાં ૧૯૬ વિદ્યાર્થીઓ અને એ-૨ ગ્રેડમાં ૩૩૦૬ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ પરિણામ ધો.૧૨ સાયન્‍સ અને ગુજકેટનુ પરિણામ જાહેર થતાં શાળાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઢોલ - નગારા અને સંગીતની સુરાવલી સાથે વિદ્યાર્થીઓએ ગરબા રમી અને નાચીને ઉજવણી કરી છે. ધો.૧૨ સાયન્‍સનું આ વર્ષે ૨૦૨૨માં ૭૨.૦૨% આવ્‍યુ છે. તો ગત વર્ષે ૨૦૨૧માં ૭૧.૩૪% પરિણામ આવ્‍યુ હતું. સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષા ૧ લાખ ૮ હજાર વિદ્યાર્થીઓએ આપી હતી. 

(11:35 am IST)