Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

૩ ખાલી બેઠકોનો મુદ્દો ધ્‍યાને લેવાય તો ચૂંટણી થોડી વહેલી

નિર્ધારિત સમય મુજબ ડીસેમ્‍બરમાં ચૂંટણી આવવા પાત્ર પણ આશાબેન, ડો. જોષીયારા અને કોટવાલના રાજીનામાથી ખાલી પડેલ બેઠકોની ૬ માસની મુદત નવેમ્‍બર પહેલા પૂરી થઇ જાય છે.: ચૂંટણી દિવાળી આસપાસ આવી શકેઃ ચૂંટણી પંચ પર મદાર

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧ર ગુજરાતમાં આવનારા છ માસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના નારાથી ગાજી રહયું છે ગુજરાત વિધાનસભાની કુલ ૧૮ર બેઠકોની ચુંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાનાર છે ધારાસભાની ૩ ખાલી બેઠકોનો બંધારણીય જોગવાઇનો મુદ્દો ધ્‍યાને લેવાય તો ચૂંટણી થોડી વહેલી આવી શકે છ.ે

ગુજરાત વિધાન સભાના ભાજપ અને કોંગ્રેસના એક એક એમ કુલ બે ધારાસભ્‍યોના અવસાન થયા છે. બંધારણ મુજબ વિધાનસભાના કોઇપણ સભ્‍યનું અવસાન થાય તો તે તારીખથી છ માસની અંદર તે વિસ્‍તારમાં ચુંટણીની તારીખની જાહેરાત ચુંટણી પંચ દ્વારા કરવામાં આવતી હોય છે.

ચુંટણી પંચ માટે કપરી પરિસ્‍થિતિનું નિર્માણ થઇ રહ્યું હોય તેમ દેખાય છે. ભાજપના ડો. આશાબેન પટેલ(ઉંઝા-મતવિસ્‍તાર)ના અવસાનને ત્રણ માસ કરતા વધારે સમય થયો છે જયારે કોંગ્રેસના ડો. અનિલ જોષ્‍ીયારા પૂર્વ મંત્રી (ભીલોડા) ના અવસાનને પણ બે માસ જેટલો સમય થવા આવ્‍યો છે ખેડબ્રહ્મા (સાબરકાંઠા) ના ધારાસભ્‍ય અશ્વિન કોટવાલના રાજીનામાંથી તે બેઠક ખાલી પડી છે. આશાબેનનું અવસાન ગયા ડીસેમ્‍બરમાં અને ડો .જોષીયારાનું અવસાન એપ્રિલમાં થયેલ કોટવાલનું રાજીનામું ૧૦ દિવસ પહેલા આવ્‍યું છે પેટાચૂંટણી પણ અશકય નથી.

આ પરિસ્‍થિતિમાં અને બાકીની ૧૮૦ બેઠકોની ચૂંટણીમાં લાંબો સમય રહેતો નથી. આ બાબત ધ્‍યાને લેવામાં આવે તો ઓકટોબર-ર૦રર માં વિધાનસભાની તમામ બેઠકોની ચૂંટણી જાહેર થાય તેવી પુરેપુરી શકયતાઓ છે.

બીજી તરફ થોડી નજર કરીએ તો ભાજપ, કોંગ્રેસ અને ત્રીજા પક્ષ તરીકે એન્‍ટ્રી કરવા આપ પાર્ટીના રાષ્‍ટ્રીય નેતાઓની ગુજરાતમાં વધતી જતી અવર-જવરના કારણે ત્રણેય રાજકીય પક્ષમાં નાનો મોટો સળવળવાટ જોવામાં આવી રહ્યો છે. રાજકીય વાતાવરણમાં પણ ચર્ચાનો મુદો બની ગયો છે.

બીજી તરફ જોઇએ તો રાજયના ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ પુરજોશમાં આવી રહી છે. ચૂંટણી પંચ પણ મતદાન મથકો, કર્મચારીઓ અધિકારીઓને જરૂરી તાલીમ અને જિલ્લાવાર વહીવટીય ચકાસણીની કામગીરી પણ જોરશોરથી ચાલુ કરી છે.

રાજય ચૂંટણી પંચ પણ ૧૮ર બેઠકોની ચૂંટણી એક સાથે હોવાથી કોઇ પણ બાબતમાં પીછેહઠ થાય તેવી કામગીરી કરવા તૈયાર નથી. જો કે ચૂંટણી પંચ દ્વારા અત્‍યાર સુધીમાં લોકસભા અને વિધાનસભાની ઘણીય ચૂંટણીઓની કામગીરી કરી રહયું છે. અને દિવસે ને દિવસે નાની મોટી ફરીયાદો મળતી રહે તે મુજબ સુધારા વધારા વધારા પણ કરવામાં આવતા હોય છે.

છેલ્લા ઘણાય વર્ષોથી ચૂંટણીપંચની કામગીરી ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે. થોડાક નાના બનાવોને બાદ કરતા કોઇ મોટા વિરોધનું વાતાવરણ જોવા મળેલ નથી.

હવે આવનારો સમય જોવાનો રહયો કે પ્રજા વર્તમાન પરિસ્‍થિતિને કેવી રીતે ગણના કરે છે અને પોતાના મુલ્‍યવાન મતને કઇ દિશા તરફ લઇ જાય છે. તે જોવાનું રહ્યું.

(12:57 pm IST)