Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકો માટે સુરત પોલીસની પ્રશંસનીય કામગીરીઃ ફ્રોડનો ભોગ બનેલા લોકો તાત્કાલીક પોલીસને જાણ કરે તે માટે અપીલ

૧૬ મહિનામાં સુરત સાયબર સેલે ૩૭ લોકોના ૨૬.૮૫ લાખ રૂપિયા પરત અપાવ્યાઃ ઍઍસપી યુવરાજસિંહ ગોહિલ

સુરતઃ સાયબર ફ્રોડનો ભોગ બનતા લોકો તાત્કાલીક પોલીસને જાણ કરે તો રૂપિયા પરત મળી શકે છે. સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી ઍઍસપી યુવરાજસિંહ ગોહિલે  વર્ણવી હતી. ૧૬ મહિનામાં સાયબર સેલે ૩૭ લોકોને ૨૬.૮૫ લાખ રૂપિયા પરત અપાવ્યા હોવાનું જણાવ્યુ હતું.

આજના ઈન્ટરનેટના યુગમાં વ્યક્તિના મોટા ભાગના કામો ઓનલાઈન થઈ ગયા છે, તેમાં પણ ખાસ કરીને આર્થિક વ્યવહારો ઓનલાઈન થવાને કારણે લોકોનો સમય બચી રહ્યો છે. જોકે બીજી તરફ કેટલાક ભેજબાજો દ્વારા લોકોને કોઈ પણ ભોગે છેતરી રૂપિયા પડાવી લેવાનો ધંધો પણ પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યો છે. અનેક કિસ્સાઓમાં લોકો આવા ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે.

જોકે સુરત શહેરમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો જો તાત્કાકિલ પોલીસને જાણ કરે અને ખાતાની વિગત આપે તો રૂપિયા પરત મળવાની સંભાવના વધી જાય છે. એક માહિતી પ્રમાણે વર્ષ 2021 અને 2022 ના 16 મહિનામાં સાયબર સેલે 37 લોકોને 26.85 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. સાયબર ક્રાઇમ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું કે ભોગ બનનારાના ખાતામાંથી અન્ય ખાતામાં રૂપિયા ગયા હોય તો પરત મળવાની સંભાવના વધુ છે.

ઠગના ખાતામાં આ રૂપિયા પડી રહ્યા હોય ત્યારે પણ પરત મળવાની પુરેપુરી સંભાવના છે. આ 37 એવા કેસ છે જેમાં ઠગે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ ઉપાડ્યા ન હતા કે અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા ન હતા. આ બધા એવા કેસ છે કે જેમાં ભોગ બનનારે પોલીસને માત્ર જાણ જ કરી છે. તેમણે કોઈ ફરિયાદ નોંધાવી નથી. ગુના નોંધાયા એવા 78 બનાવમાં 92.42 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.

વર્ષ 2021 - 2022માં અનુક્રમે 50 અને 28 ગુના નોંધાયા હતાં, જેમાં રૂ. 10357784 અને રૂ. 8419671નો ફ્રોડ થયો હતો. આ ગુનાઓ પૈકઈ 44 અને 24 ગુના ઉકેલી 92 આરોપી પકડવામાં આવ્યા છે, વર્ષ 2021માં 72,12,000 અને વર્ષ 2022માં 20,30,200 રૂપિયાની રિકવરી કરવામાં આવી છે.

એસીપી ગોહિલનું કહેવું છે કે લોકો કેટલીક બાબતોમાં કાળજી રાખે તો ઓનલાઈન ફ્રોડનો શિકાર થતાં બચી શકે છે.

    કોઈ અજાણ્યો એની ડેસ્ક, ક્વીક સપોર્ટ, ટીવ વ્યુવર જેવી એપ ડાઉનલોડ કરવા જણાવે તો ડાઉનલોડ કરવી નહીં.

    અજાણ્યાની ફ્રેન્ડ રીક્વેસ્ટ કે વીડિયો કોલ સ્વીકારવો નહીં.

    એસએમ-ઇ મેઇલ દ્વારા મોકલવામાં આવેલ અજાણી શંકાસ્પદ લીંક પર ક્લીક કરવું નહીં.

    ઓનલાઇન આપવામાં આવેલ નોકરી માટે કોઈ રજીસ્ટ્રેશન ફી ચુકવવી નહીં.

    લોટરી-ઇનામ લાગ્યાના મેસેજ-કોલનો પ્રતિભાવ આપવા નહીં.

    અજાણ્યા સાથે સોશિયલ સાઇટ પર મિત્રતા થયા બાદ તેના દ્વારા મોકલવામાં આવેલ ભેટ માટે કોઈ રૂપિયા ચૂકવવા નહીં.

(4:48 pm IST)