Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

કૌન બનેગા કરોડપતિમાં ૨૫ લાખની લોટરી લાગી હોવાનું જણાવી વડોદરાના શ્રમજીવી સાથે ૨.૭૭ લાખની ઠગાઇ

વાડી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુવાને ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે બે શખ્સોને અટકમાં લીધા

વડોદરાઃ ભાડાના મકાનમાં રહી ચિચોડો ચલાવતા યુવાનને ફોન પરથી ‘કૌન બનેગા કરોડપતિ’માં ૨૫ લાખની લોટરી લાગી હોવાનું જણાવીને ૨.૭૭ લાખની છેતરપિંડી કરતા આ યુવકે ફરિયાદ કરતા પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે.

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતો શ્રમજીવીને થોડા દિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં કોન બનેગા કરોડપતિમાં લોટરી લાગી હોવાનું જણાવી અલગ-અલગ બહાના હેઠળ શ્રમજીવી પાસેથી 2.77 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે મામલે શ્રમજીવીની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓની અટકાયત કરી હતી.

શહેરના વાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતો અને રસનો કોલુ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો શ્રમજીવી યુવકને થોડા દિવસ પહેલાં જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તમે કોન બનેગા કરોડપતિમાં તમારો નંબર સિલેક્ટ થયો છે અને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે. જે સાંભળી શ્રમજીવી યુવક ધોળે દિવસે લાખો પતિ થયો હોવાના સપનામાં ખોવાઈ ગયો હતો.

પરંતુ યુવકને ખબર ન હતી કે તે કોઈ ગેંગની છેતરપિંડીનો ભોગ બની રહ્યો છે અને થયું પણ એવું જ છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 25 લાખની રકમ લેવા માટે તેને અલગ અલગ બહાના બતાવી રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં કુલ મળી 2.77 લાખની રકમ ઠગોએ ટ્રાન્સફર કરાવી લીધી હતી.

જે બાબતનું ભાન થતા જ યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમને તપાસનો દોર લંબાવ્યો લખનઉ ખાતેથી બે આરોપીને ઝડપી પાડયા હતા. જે બંને આરોપી પાસેથી વિવિધ બેંકોના 32 ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંક પાસબુકો, બોગસ આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(4:48 pm IST)