Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વડોદરામાં ડિવાઇડર કૂદીને ગાય ઍક્ટીવા સાથે અથડાતા વિદ્યાર્થી હેનીલ પટેલની આંખમાં શીંગડુ વાગતા ગંભીર ઇજા

ઍમઍસ યુનિવર્સિટીમાંથી પરત ફરતી વખતે દુર્ઘટના સર્જાઇ

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઇ વાઘોડીયા વિસ્તારમાં કોલેજથી ઍક્ટીવા પર પરત ફરતા વિદ્યાર્થી હેનીલ પટેલને ગાયે અચાનક ડિવાઇડર કુદી હડફેટે લેતા શિંગડુ વાગતા આંખ ફૂટી ગઇ હતી.

રાજ્યમાં રખડતાં ઢોરોનો ત્રાસની અનેક ઘટનાઓ સામે આવે છે. રખડતાં ઢોરોની અડફેટે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો અનેક લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ પણ થવું પડ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ એક રખડતા ઢોરના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાયનું શિંગડું વાગતા એક વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવી પડી છે.

વડોદરા શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં ગોવર્ધન ટાઉનશિપ પાસે વિદ્યાર્થીને ગાયે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થી હેનીલ પટેલ વડોદરાની MSU ની પોલીટેકનિક કોલેજમાં ડિપ્લોમામાં અભ્યાસ કરે છે. હેનીલ એક્ટીવા લઇને કોલેજમાંથી સાંજે ઘર તરફ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ડીવાઈડર કૂદી ગાયે શિંગડે ભેરવતા એક્ટીવા સાથે હેનિલને રસ્તા વચ્ચે પછાડ્યો હતો.

આ ઘટનામાં ગાયનું શિંગડું હેનીલની આંખમાં વાગવાથી તેની આંખ ફૂટી ગઈ હતી. ગંભીર ઇજા પહોંચતા હેનીલને સ્થાનિકો દ્વારા તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હેનીલની વધુ ગંભીર હાલત જણાતાં તેને હાયર સેન્ટર અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો હતો.

છેલ્લા ત્રણ મહિનામાં રખડતા ઢોરના ત્રાસની ઘટનાઓ

11 મે 2022 રખડતા ઢોરના કારણે વડોદરાના વિદ્યાર્થીએ આંખ ગુમાવી

11 મે 2022 પાલનપુરમાં ગાયની અડફેટે આવેલા વાહન ચાલકને ઈજા

8 મે 2022 પાલનપુરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું મોત

3 મે 2022 રખડતા ઢોરે અડફેટે લેતા મહિલા ICUમાં

22 એપ્રિલ 2022 વલસાડમાં આખલા યુદ્ધમાં બે લોકોને ઈજા

19 એપ્રિલ 2022 રાધનપુરમાં રખડતા ઢોરના કારણે યુવાનનું મોત

9 એપ્રિલ 2022 રાજકોટમાં આખલાએ અડફેટે લેતા વૃદ્ધને ઈજા

24 માર્ચ 2022 રાજકોટમાં રખડતા ઢોરે બે મહિલાઓને ઈજા પહોંચાડી

22 માર્ચ 2022 રાજકોટમાં રખડતા ઢોરની અડફેટે એકનું મોત

12 માર્ચ 2022 રાજકોટમાં આખલા યુદ્ધના કારણે મહિલાનો જીવ ગયો

(4:50 pm IST)