Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

અમદાવાદમાં એનઆઇડીમાં એક સાથે 13 કોરોના કેસ આવતા ભારે ચિંતા સંસ્‍થામાં ચાલતા તમામ વર્ગો ઓનલાઇન કરી દેવાયા

અમદાવાદઃ કોરોનાની ચોથી લહેરની આશંકામાં અમદાવાદમાં આવેલી એનઆઇડી સંસ્‍થામાં 13 પોઝીટીવ કેસ મળી આવ્‍યા છે તેમાં 2 સ્‍ટાફ કર્મચારી છે. એનઆઇડીની હોસ્‍ટેલને કન્‍ટેઇનમેન્‍ટ જાહેર કરાઇ છે. સંસ્‍થામાં ચાલતા તમામ વર્ગો ઓનલાઇન કરી દેવામાં આવ્‍યા છે.

કોરોના મહામારીની ચોથી લહેરની આશંકા વચ્ચે રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના NID કેમ્સમાં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે NID માં હાલ તમામ ઓફલાઈન વર્ગો સ્થગિત કરીને ઓનલાઇન કરી દેવાયા છે. એનઆઇડીમાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

એનઆઇડી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર કેમ્પસમાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 13 કેસમાંથી 11 વિદ્યાર્થી અને 2 સપોર્ટિંગ સ્ટાફના કર્મચારીઓનો સામેલ છે. આ તમામ 13 કોરોના પોઝિટિવ દર્દીઓમાં સામાન્ય યા તો કોઈ જ લક્ષણો ના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, હાલની સ્થિતિમાં NID માં કુલ 37 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 35 વિદ્યાર્થીઓ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2 સપોર્ટિંગ સ્ટાફના કર્મચારી છે.

NID કેમ્પસ દ્વારા જણાવેલા આંકડા અનુસાર 6 મેના રોજ 1 કેસ, 7 મેના રોજ 5 કેસ, 8 મેના રોજ 17 કેસ, 9 મેના રોજ 3 કેસ અને 10 મેના રોજ 11 કોરોનાના કેસ નોંધાયા છે. કોરોના કેસ સામે આવતા અમદાવાદની NID ની હોસ્ટેલને કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી હતી. ત્યારે 8 તારીખ બાદથી AMC દ્વારા NID માં 700 કરતા વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. NID માં કોરોનાના કેસો આવતા હાલ તમામ ઓફલાઈન વર્ગો સ્થગિત કરીને ઓનલાઈન કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. જો કે, નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 24, વડોદરામાં 8 અને જામનગરમાં 1 કેસ સામે આવતા કુલ 33 કેસ નોંધાયા છે.

(5:34 pm IST)