Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

નડિયાદ:સોનીપુર તળાવમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખનન માફિયાઓ દ્વારા માટી કાઢવાની કામગીરી કરતા મામલતદારની ટિમ ઘટનાસ્થળે પહોંચી

નડિયાદ : કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવતા સોનીપુરા તળાવમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેટલાક ખનન માફિયાઓ દ્વારા માટી કાઢવાની કામગીરી કરતા નગરજનોમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ સંદર્ભે કપડવંજ મામલતદાર ઘટનાસ્થળે પહોંચી જતા કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

ઉનાળાની શરૂઆત થતાં જ ગામ તળાવો સુકાવા માંડે છે જેથી ખેડૂતો તળાવની કાંપ વાળી માટી પોતાના ખેતરમાં લઈ જવા વલખા મારે છે ત્યારે સુજલામ સુફલામના માસ્ટર માઇન્ડ એવા માફિયાઓ કપડવંજના સોનીપુરાના તળાવમાં બુધવારે સવારથી માટી ઉલેચવા જેસીબી તથા મોટા ડમ્પરોની મદદથી શરૂ કરતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે અચરજ લાગી રહ્યું હતું. ખનન માફિયાઓ દ્વારા ખોદકામની મંજૂરી લેવાય છે કે કેમ ? આ અંગે કોઈ જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરતા સ્થાનિક અધિકારીઓમાં ગભરાટની લાગણી વ્યાપી જવા પામી હતી. આ બનાવ અંગે પ્રાંત અધિકારી ધર્મેશ મકવાણાનો સંપર્ક કરતા તેઓએ કપડવંજ મામલતદાર અને સ્થળ તપાસ માટે મોકલી આપ્યા હોવાનું જાણવા મળેલ છે. આ અંગે અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટો માટી કૌભાંડ બહાર આવે તેવી સંભાવના છે.

(6:16 pm IST)