Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સુરત:છૂટાછેડા બાદ પુત્રને સાથે રાખવા બાબતે પત્નીની ત્રણ ગોળીમારી હત્યા કરનાર યુવાનની કતારગામ પોલીસે વોરંટના આધારે ધરપકડ કરી

સુરત: છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતેના વિખવાદમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પત્નીની ત્રણ ગોળી મારી હત્યા કરનાર યુવાનની કતારગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. ફાયરીંગ કરનાર પતિની બિહારમાં પોલીસે દારૂના ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં ગત 23 ફેબ્રુઆરીની મોડીરાત્રે અલગ રહેતી પત્ની ટીના ( ઉ.વ.30 ) પર પતિ અખીલેશકુમાર મૌલેશ્વરપ્રસાદ સીંગએ બાળકોની સામે જ ત્રણ ગોળી મારતા ટીનાને છાતી, પેટ, કોણી અને ઘૂંટણમાં ઇજા થઈ હતી. 16 વર્ષ અગાઉ પ્રેમલગ્ન બાદ પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી ટીનાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે ટીના સાથે અવારનવાર ફોન પર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો અખીલેશ ફાયરીંગ કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ ટીનાનું ઘટનાના ત્રણ અઠવાડીયા બાદ ગત 17 માર્ચના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અખીલેશની ધરપકડ માટે તજવીજ કરી રહેલી કતારગામ પોલીસ તેના મોતના અઠવાડીયા અગાઉ તેને શોધવા બિહાર ગઈ હતી ત્યારે સ્થાનિક પોલીસે તેની દારૂના ગુનામાં ધરપકડ કરી હતી. ટીનાના મોતને પગલે કતારગામ પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી હાલ વેલ્ડીંગનો વ્યવસાય કરતા અખીલેશકુમાર મોલેશ્વરી સિંગ ( ઉ.વ42, હાલ રહે.કાંઇ કમ્બા, સુરત કલ પાસે, જી..મેંગ્લોર, કર્ણાટક. મુળ રહે.ડીહરી, જી.જમુઇ, બિહાર )નો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવા તજવીજ કર્યા બાદ ગતરોજ ધરપકડ કરી હતી.

(6:17 pm IST)