Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સુરતના સિંગણપોર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ગણતરીની કલાકોમાં રેઇડ પાડી બે સ્થળેથી વિદેશી દારૂ વેંચતા 7ને ઝડપી જેલ હવાલે કર્યા

સુરત, : સુરતના સિંગણપોર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ગણતરીના કલાકોમાં બે સ્થળે રેઈડ કરી બેરોકટોક દેશી-વિદેશી દારૂ વેચતા અને બનાવતા 7 ને ઝડપી પાડી દારૂની 108 બોટલ, 180 લીટર દેશી દારૂ, દારૂ વેચાણના રોકડા રૂ.39,470, મોબાઈલ ફોન, મોપેડ વિગેરે મળી કુલ રૂ.96,780 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી બાતમીના આધારે ગત બપોરે મોટીવેડ ટેકરા ફળિયા નાયકવાડમાં રહેતા નવનીત ઉર્ફે નવલ પ્રવીણભાઈ કંથારીયાને ત્યાં રેઈડ કરી તેની પત્ની આશા ( ઉ.વ.23 ) અને સાગરીત ઈશ્વર કનુભાઈ ડામોર ( ઉ.વ.39 ) ને વિદેશી દારૂ વેચતા રંગેહાથ ઝડપી લીધા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે નવનીતના ઘરે તપાસ કરતા ત્યાં છુપાવેલી દારૂની બોટલો મળી હતી. જયારે તેની મોપેડની ડીકી તપાસતા તેમાંથી વોડકાની ચાર બોટલ મળી હતી. ચાર વર્ષથી દારૂનું વેચાણ કરતા અને પોલીસની રેઇડ બાદ થોડો સમય વેચાણ બંધ કરી ફરી શરૂ કરતા દંપત્તિએ ચાર મહિના અગાઉ ફરી દારૂ વેચવા માંડયું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે તેમની પાસેથી રૂ.12,130 ની મત્તાની દારૂની 108 બોટલ, દારૂ વેચાણના રોકડા રૂ.3220, રૂ.8 હજારની મત્તાનો મોબાઈલ ફોન અને રૂ.30 હજારનું મોપેડ મળી કુલ રૂ.53,350 નો મુદ્દામાલ કબજે કરી નવનીત ઉર્ફે નવલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

(6:19 pm IST)