Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

અમદાવાદના સોલાના સાયન્સ સીટી વિસ્તારમાં વ્યાજખોર સાસરિયાના ત્રાસથી કંટાળી જમાઈએ 11 માળેથી છલાંગ લગાવી

અમદાવાદ: સોલાના સાયન્સ સીટી વિસ્તારમાં 42 પાર્ક એવન્યુમાં વ્યાજખોર સાસરિયાંના ત્રાસથી જમાઈએ 11 માળેથી છલાંગ લગાવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવકના પિતાને એક્ટિવાની ડેકીમાંથી પુત્રનો મોબાઈલ ફોન મળ્યો હતો. ફોન જોતા તેમાં ધ્રુવે માતા-પિતાને સંબોધી લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં પત્ની, સાળી, સસરા સહિત લોકોને પાંચ વર્ષથી વ્યાજ અને પૈસા ચૂકવી દીધા બાદ પણ વધુ રકમની માંગણી કરી ત્રાસ આપતા હતા. દહેજનો ખોટો કેસ કરવાની ધમકી આપી હેરાન કરતા હોવાનો ઉલ્લેખ હતો. સોલા પોલીસે ઇજાગ્રસ્તનું ડી.ડી. લઈ ચારે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સાયન્સ સીટી વિસ્તારમાં સિલ્વર ક્રસ્ટ બંગલોમાં રહેતા કમલેશભાઈ નારણભાઇ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ રિપલ ઉર્ફ રીંકુ, તેની બહેન કામીની, સસરા મહેન્દ્ર પટેલ અને નિતેષ શાહ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ સાણંદ ખાતે ઇલેક્ટ્રિક મોટર્સનો વેપાર કરતા કમલેશભાઈ, પત્ની અને નાના પુત્ર મિલન સાથે રહે છે. ફરિયાદીનો મોટો પુત્ર ધ્રુવ તેની પત્ની સાથે અલગથી ફોર્ટી ટુ પાર્ક એવન્યુ સાયન્સ સીટી રોડ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. ધ્રુવ પટેલે ગત તા.6મે ના રોજ ફોર્ટી ટુ એવન્યુના 11 માળેથી પડતું મૂક્યું હતું. બનાવને પગલે ધ્રુવને સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ખસેડાયો હતો. એપાર્ટમેન્ટમાં બનેલી ઓરડીના પતરાં પર પડવાથી ધ્રુવ પટેલને શરીરના બન્ને પગે તેમજ અન્ય ભાગોમાં થઈને કુલ 11 જેટલા ફ્રેક્ચર થયા હતા. કમલેશભાઈએ ગત તા 7મી મેના રોજ પુત્ર ધ્રુવના એક્ટિવાની ડેકીમાંથી મોબાઈલ ફોન કાઢી જોયો જેમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી હતી. 

(6:23 pm IST)