Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

NID બાદ વેજલપુરમાં ઝાયડસ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ: શાળા બંધ : વેકેશન જાહેર

વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા બંધ કરી દેવાઈ :વિદ્યાર્થીઓને વેકેશન આપી દેવામાં આવ્યું

અમદાવાદ :શહેરમાં વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા બંધ કરી દેવમાં આવી છે અને વિદ્યાર્થીઓને વેકેશન આપી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા શહેરની નામાંકિત એનઆઈડીમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો હતો.

અમદાવાદમાં વીસ સહિત રાજયમાં કોરોનાના નવા કુલ 31 કેસ નોંધાયા હતા. જોકે, કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. જ્યારે 21 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. અમદાવાદના પાલડીમાં આવેલા એનઆઈડીના કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી લેબોરેટરીના કોરોના ટેસ્ટ બાદ કેમ્પસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 45 ઉપર પહોંચી છે. કેમ્પસમાં આવેલા કોરોના પોઝિટિવ કેસ પૈકી 11 વિદ્યાર્થીઓ મૂળ કેરળના હોવાનું તંત્રએ જણાવ્યુ હતુ.

નોંધનીય છે કે, રાજયમાં બુધવારે અમદાવાદ મ્યુનિ. હદમાં કોરોનાના નવા 19 અને જિલ્લામાં એક કેસ નોંધાયો હતો. વડોદરા કોર્પોરેશનમાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયા હતા.જામનગર કોર્પોરેશનમાં નવો એક કેસ, સુરત કોર્પોરેશનમાં એક તથા નવસારીમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો. રાજયમાં હાલમાં કુલ 183 એકટિવ કેસ છે. જેમા 182 દર્દી સ્ટેબલ છે. જયારે એક દર્દી વેન્ટિલેટર ઉપર છે. અત્યારસુધીમાં રાજયમાં કુલ 1213467 દર્દીને ડીસ્ચાર્જ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 10944 દર્દીના મોત થયા છે.

કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે ત્યારે હવે કેરળમાં નવા પ્રકારની બીમારી જોવા મળી રહી છે. આ બીમારી નાના બાળકોમા જોવા મળી રહી છે. જેનુ નામ છે ટોમેટો ફ્લૂ છે. આ ફ્લૂ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરી રહ્યો છે. ડોકટરો પણ ટોમેટો ફ્લૂને લઈને મૂંઝવણમાં છે.અત્યારસુધીમાં 80થી વધુ બાળકો એની ઝપેટમાં આવી ગયાં છે. નાનાં બાળકો આનો વધુ શિકાર બની રહ્યાં છે. આ બીમારીને લઇને આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે, તેમની પાસે ટોમેટો ફ્લૂથી બચવાનો કોઈ રસ્તો નથી. કેરળમાં બાળકોમાં ટોમેટો ફ્લૂના ઘણા કેસ નોંધાયા બાદ કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે સુધાકરે સરહદી જિલ્લાઓને એલર્ટ કર્યા છે.

 

(6:47 pm IST)