Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગુજરાતમાં જૂના વાહનોને ભંગારમાં ફેરવવા ભાવનગર સહીત ત્રણ સેન્ટરને લીલીઝંડી

દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં સરકારે ત્રણ સ્કેપ સેન્ટરને મંજૂરી મળી

અમદાવાદ : કેન્દ્ર સરકાર બહુ ઝડપથી સ્ક્રેપિંગ પૉલિસી નો અમલ કરે તેવી સંભાવના છે. જેના અનુસંધાને હાલ સરકાર વિવિધ સ્ક્રેપ સેન્ટર્સને મંજૂરી આપી રહી છે. જે અનુસંધાને દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં સરકારે ત્રણ સ્કેપ સેન્ટરને મંજૂરી મળી છે. એટલે કે 15 વર્ષથી જૂના વાહનો અથવા રસ્તા પર ચલાવવા માટે જે વાહનો ફીટ ન હોય તેવા વાહનોને આ સેન્ટરોમાં ભંગારમાં ફેરવવામાં આવશે. આ પોલિસી હેઠળ ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ આખા દેશમાં વિવિધ શહેરોમાં સ્ક્રેપ સેન્ટરો ખોલવામાં આવશે. હાલ ગુજરાત સરકારે ત્રણ શહેરમાં સ્ક્રેપ સેન્ટર્સ શરૂ કરવાની યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર એક વખત લીલીઝંડી આપે ત્યાર બાદ આ સેન્ટરો ખાતે નિયમ પ્રમાણે વાહનોનો ભંગારમાં ફેરવવામાં આવશે.

કેન્દ્ર સરકારની વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ 15 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપમાં ફેરવાશે. જોકે, આ માટે વિવિધ નિયમો ઘડવામાં આવ્યા છે. જે પ્રમાણે અમુક વર્ષોથી જૂના વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી બનશે. ફિટનેસ ટેસ્ટ પાસ ન થવા પર વાહનોને ભંગારમાં ફેરવવામાં આવશે.

હાલ ગુજરાતના સરકાર તરફથી ખેડા, નડિયાદ અને ભાવનગર ખાતે સ્ક્રેપ સેન્ટર ઊભું કરવા માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મંજૂરી આપી દીધી છે. આ સ્ક્રેપ સેન્ટર ખાતે જૂના વાહનોને ભંગારમાં ફેરવવામાં આવશે, તેમજ માલિકને તે બદલ નિયમ પ્રમાણે કિંમત ચૂકવવામાં આવશે.

(7:00 pm IST)