Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

યશ્વી પટેલે જીનેશ સહિત ૩ સામે હત્યાની ધમકીની ફરિયાદ કરી

યુવકે અભિનેત્રી સામે હનિટ્રેપની ફરિયાદ કરી હતી : જીનેસ પટેલે માતાની સારવાર માટે બે લાખની મદદ કર્યાનો અભિનેત્રીનો દાવો : બદનામ કરવા ધમકી આપી

અરવલ્લી, તા.૧૨ : ધનસુરાના ચોગામડા કંપાના હની ટ્રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘણા સમય પહેલા જીનેશ પટેલ નામના યુવકે ગુજરાતી એક્ટ્રેસ અને મોડેલ યશ્વી પટેલ વિરુદ્ધ પ્રેમજાળવામાં ફસાવીને રૃપિયા લૂંટી લીધા હોવાની ફરિયાદ ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. હવે, યશ્વી પટેલે જીનેશ પટેલ સહિત ચોગામડા કંપનાના ત્રણ યુવકો સામે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેમાં, તેમણે ત્રણેય શખ્સો સામે હત્યા તેમજ સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ સિવાય તેણે જીનેશ પટેલે તેને ખોટી રીતે બદનામ કરવા માટે ફરિયાદ નોંધાવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય તેણે પોતાના માતાની સારવાર માટે રૃપિયા લીધા હોવાનો દાવો કર્યો હતો. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ હોવાથી જીનેશ પેટેલે ઈન્સ્ટાગ્રામ પરથી તેનો સંપર્ક કરી સમાજના નામે મદદ કરવાની વાત કરી હતી. તેના માતા બીમાર પડતાં જીનેશે ૩૫ હજાર રૃપિયાની મદદ કરી હતી. જે બાદ તેના બેંક અકાઉન્ટમાં સમયાંતરે ટ્રાન્ઝેક્શનથી ૨ લાખ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડા સમય બાદ જીનેશે તેને મળવા માટે હોટેલમાં બોલાવી હતી. જો કે, તેણે ના પાડી દેતાં તે તેના પ્રેમમાં હોવાની વાત કરી હતી. આ કિસ્સા બાદ યશ્વી પટેલે તેણે જીનેશ પટેલ સાથેનો સંપર્ક ઓછો કરી નાખ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, 'સંપર્ક ઓછો કર્યા બાદ જીનેશ પટેલે રૃપિયાની ઉઘરાણી શરૃ કરી હતી. આ સિવાય તેના સાથીદારો હરેશ પટેલ અને ચેતન પટેલ પણ ફોન કરીને ધમકી આપતા હતા'. ફરિયાદમાં યશ્વીએ તેણે બે લાખ રૃપિયા પરત આપી દીધા હોવા છતાં જીનેશ પટેલે તેને તેની સાથે કોર્ટ મેરેજ કરવા માટે દબાણ કર્યું હતું. જો કે, તે દબાણને વશ ન થતાં જીનેશ પટેલે ધનસુરા પોલીસ સાથે ઓળખાણ હોવાની ધમકીઓ આપી તેને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપ કરી ઝીરો નંબરથી ફરિયાદ આપી હોવાનું પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું. યશ્વી પટેલના જણાવ્યા પ્રમાણે તેણે જીનેશ પટેલ, હરેશ પટેલ અને ચેતન પટેલ સામે ગુનો નોંધવા અરજી આપી હતી. જો કે, તેના વકીલે કહ્યું હતું કે, ધનસુરા પોલીસને અરજી આપવા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ જીનેશ પટેલે યશ્વી સામે મીઠી-મીઠી વાતો કરીને સાત લાખ રૃપિયા ખંખેર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

(7:50 pm IST)