Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી કંટાળી 11માં માળેથી પડતું મૂકી જમાઈનો આપઘાતનો પ્રયાસ

પોલીસે સાસરિયાઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં સાસરિયા ત્રાસથી જમાઈએ આપઘાતપ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસે સાસરિયાઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

હોસ્પિટલના બિછાને પડેલ ધ્રુવ પટેલ. અને બીજી બાજુ પકડાયેલા આ તેમના સાસરિયાઓ. ધ્રુવ ભાઈને હાલ શરીર ના અલગ અલગ ભાગોમાં નવ જેટલા ફ્રેક્ચર થતા સર્જરી ચાલી રહી છે. આવું થવા પાછળનું કારણ તેમના સાસરિયાઓ છે જેઓની હાલ ધરપકડ કરાઈ છે. ધ્રુવને આર્થિક તંગી આવતા તેઓએ પત્ની, સાળી અને સસરા પાસેથી 10 થી 12 લાખ અઢી ટકા વ્યાજે લીધા હતા. પાંચેક વર્ષ સુધીમાં તે મૂડી અને સાથે મૂડી કરતા પણ વધારે વ્યાજ ચૂકવી દીધું હોવાનું કહી રહ્યા છે. તે છતાંય ત્રાસ આપતા ધ્રુવ ભાઈ એ એક ફ્લેટમાં જઈ 11માં માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓ હાલ સારવાર હેઠળ છે.

ઇજાગ્રસ્ત ધ્રુવ પટેલ વર્ષ 2014માં રીંકુ પટેલ સાથે લગ્ન કર્યા હતા જે બાદ એક વર્ષમાં છૂટાછેડા થઈ ગયા હતા. જે પછી ધ્રુવ પટેલ અને રીંકુએ વર્ષ 2015માં ફરી એકવાર લગ્ન કર્યા. જોકે છેલ્લા એક-બે વર્ષથી રીંકુ તેની પાંચ વર્ષની દીકરી સાથે અલગ અલગ રહે છે. ઘટનાની વાત કરવામાં આવે તો 8મી તારીખના રોજ ધ્રુવ પટેલ 11માં માળેથી પડતું મૂક્યું હતું. બાદમાં ધ્રુવના વાહનની ડેકીમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી.

જેમાં તેણે માતા પિતાને સંબોધીને લખ્યું હતું કે, પત્ની રીંકુના પરિવાર વાળા માત્રને માત્ર પૈસા માટે સંબંધ રાખે છે. મેં રીંકુ, તેની બહેન તથા સસરા પાસેથી લીધેલા નાણાં પાંચ વર્ષથી વ્યાજ સાથે ચૂકવી દીધા છે અને વ્યાજ એટલું આપ્યું કે, મૂડી કરતા પણ વધી જાય. જ્યારે ધંધો ચાલતો ન હતો ત્યારે પત્નીએ પૈસા માંગ્યા હતા. પૈસા આવશે ધંધો ચાલશે એટલે આપી દઈશ તેવું કહેવા છતાંય ઉઘરાણી કરતા હતા.

પત્ની તેની બહેન સસરા સહિતના લોકો ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા જેથી અંતિમ પગલું ભરૂ છું તેમ આ ચિઠ્ઠીમાં લખેલું લખાણ મળી આવ્યું હતું. જે પુરાવા આધારે સોલા પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી આરોપીઓ સામે ગુનો દાખલ કરી વ્યાજખોર સાસરિયાઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપીઓએ પૈસા માટે ખૂબ દબાણ કરી દહેજના ત્રાસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ કર્યા છે. બીજી બાજુ સાસરિયા પક્ષ દ્વારા જમાઈ ધ્રુવ પટેલ આપેલા પૈસા સટ્ટો અને જુગારમાં હારી ગયાના આક્ષેપ કર્યા છે. જોકે જમાઇ દ્વારા અવારનવાર પૈસાની માંગણીઓ કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે જેથી પોલીસ અલગ અલગ દિશા માં વધુ તપાસ શરૂ કરી છે.

 

(9:48 pm IST)