Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વડોદરાનું ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ ફરીવખત બિસ્માર હાલતમાં :બ્યુટીફિકેશનનો 6 કરોડ રૂપિયાનો ખર્ચ પાણીમાં

તળાવની યોગ્ય જાળવણી ન થવાથી ઠેર-ઠેર કચરાના ઢગલા: ડ્રેનેજ લાઇનના પાણી પણ છોડવામાં આવતા હોવાથી તળાવમાં અસહ્ય દુર્ગંધ : તળાવના કિનારે પણ દારૂની પોટલીઓ અને ખાલી બોટલો

વડોદરાના નવા પુરા રોડ પર આવેલું ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ ફરી એક વખત બિસ્માર બની રહ્યું છે. અંદાજે 750 વર્ષ જૂના આ તળાવનું 10 વર્ષ પહેલા બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. જે માટે અંદાજે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ તળાવની યોગ્ય જાળવણી ન થવાથી ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. વળી ડ્રેનેજ લાઇનના પાણી પણ છોડવામાં આવતા હોવાથી તળાવમાંથી પણ અસહ્ય દુર્ગંધ આવી રહી છે.

તળાવના કિનારે પણ દારૂની પોટલીઓ અને ખાલી બોટલો જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા આસ્થાના નામે પૂજાપો, ફૂલ અને નાળિયેર સહિતની સામગ્રીઓ ઠાલવવામાં આવે છે. લોકોને તળાવના કિનારે ચાલવાની સુવિધા માટે જે વોક વે બનાવ્યો છે તેની પણ સફાઈ યોગ્ય રીતે નથી થઈ રહી. જેથી તળાવના કિનારે બેસી કે ચાલી શકાય તેમ પણ નથી. તળાવની ફરતે છવાયેલા કચરાના સામ્રાજ્યને લઇને સ્થાનિકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા મોટા ઉપાડે સ્માર્ટ સીટી અંતર્ગત બ્યુટીફીકેશન નામે તળાવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. જે પૈકી મોટાભાગના તળાવ ની હાલત દયનીય બનવા પામી છે. છાણી, લક્ષ્મીપુરા, સિધ્ધનાથ સહિતના તળાવમાં પાણી સુકાઇ જવાની સાથે ગંદકીનું સામ્રાજ્ય છેલ્લા દોઢ વર્ષથી છવાયું છે. કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ કેટલાક તળાવ ગંદકી અને દુર્ગંધથી ખદબદી રહ્યા છે તો કેટલાક સૂકાભઠ્ઠ થઈ ગયા છે. અને ફરી એકવાર તંત્રના પોકળ આયોજનના પગલે કરોડો રૂપિયાના ખર્ચનો વેડફાટ થયો છે તેમ કહી શકાય

(10:11 pm IST)