Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજપીપળા ખાતે જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રી બિશ્વેશ્વર ટુંડુ :મંત્રીએ જાણકારી આપી

ટ્રાયબલ અને જળસંપત્તિ વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રી બિશ્વેશ્વર ટુંડુના અધ્યક્ષસ્થાને આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર આર.જી.કાનુનગો સહિત સબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રિય રાજ્યમંત્રી બિશ્વેશ્વર ટુડુએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એ એસ્પિરેશન જિલ્લો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં છે. તેના લાભો પ્રજાજનોને સરળતાથી મહત્તમ મળી રહે તે જોવા  મંત્રીશ્રી ટુંડુએ હિમાયત કરી હતી.
  આ બેઠકમાં જિલ્લામાં જીતનગર ખાતે નવ નિર્માણ પામી રહેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તેમજ ગરૂડેશ્વર ખાતે નવ નિર્માણ પામી રહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં થઇ રહેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી સુચનો કર્યાં હતાં. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, મનરેગા, સિંચાઇ, આઇ.ટી.આઇ, સ્પોર્ટસ સહિત “નલ સે જલ” યોજના દ્વારા લોકોને શુધ્ધ સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે હેતુથી વાસ્મો દ્વારા આજદિન સુધી કરેલી કામગીરી અંગે માહિતી મેળવી જિલ્લામાં આ દિશામાં થયેલી પ્રગતિની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં પ્રગતિ હેઠળના થઇ રહેલા તમામ કામોથી મંત્રીશ્રી ટુંડુએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
 જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાજપીપલા શહેરમાં અમલી  "નોંધારાનો આધાર" પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીઓને  ત્રણ જેટલા ફેઝમાં વિવિધ લાભો આપીને લાભાન્વિત કરાયાં છે. આ પ્રોજેક્ટ થકી "નોંધારા" લાભાર્થીઓને બે ટંક ભોજનની સુવિધા પુરી પાડવા ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ્સ પણ અપાઈ હોવાનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અને તેની શોર્ટ ડોક્યુમેન્ટરી પણ રજૂ કરી હતી. ઉક્ત બેઠકમાં શ્રી શાહે  જિલ્લાના પ્રગતિ હેઠળના તમામ કામોની સાથે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જલ શક્તિ અભિયાન હેઠળ થનારા ૭૫ જેટલા અમૃત સરોવરની  વિસ્તૃત જાણકારી મંત્રીને પુરી પાડી હતી.
  આ વેળાએ નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર આર.જી.કાનુનગોએ સરદાર સરોવર નર્મદા ડેમના રીવર બેડ પાવર હાઉસ, ભુગર્ભ વિદ્યુત જળમથક સહિત નર્મદા ડેમની તકનિકી જાણકારથી મંત્રી ટુંડુને વાકેફ કર્યા હતાં.

 આ બેઠકમાં ટ્રાયબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ડૉ. મધુકર પાડવીએ મંત્રી ટુંડુને બામ્બુ આર્ટ અને વારલી આર્ટની ફ્રેમ આપીને અભિવાદન કર્યું

(10:36 pm IST)