Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં હાલ માત્ર 30 ટકા જ પાણી: 70 ટકા ડેમો ખાલી

દેવભૂમી દ્વારકા પંથકની સૌથી ગંભીર સ્થિતિ :આ જિલ્લાનાં ડેમોમાં માત્ર 3 ટકા જ પાણી હવે રહયુ !

અમદાવાદ : કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રમાં પીવાનાં પાણીની સ્થિતિ ગંભીર બની રહી છે. સબ સલામતનાં દાવા સરકાર કરી રહી છે પરંતુ ગામડાઓમાં પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોનાં તળીયા દેખાઈ રહયા છે. સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં હાલ માત્ર 30 ટકા જ પાણી બચ્યુ છે આશરે 70 ટકા ડેમો ખાલી થઈ ગયા હોવાનાં ચોકાવનારા આંકડા બહાર આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમી દ્વારકા પંથકની છે આ જિલ્લાનાં ડેમોમાં માત્ર 3 ટકા જ પાણી હવે રહયુ છે અને હજુ ઉનાળાનાં દોઢેક મહિના જેટલો કપરો સમય કાપવાનો બાકી છે

  સૌરાષ્ટ્રનાં ડેમોમાં પાણીની સ્થિતિનાં આંકડા પાણીની ગંભીર સ્થિતિનો ચિતાર આપે છે. રાજકોટ જિલ્લાનાં 25 ડેમોમાં માત્ર 38 ટકા જ પાણીનો જીવંત જથ્થો હાલ રહયો છે ભાદર સિવાય મોટા ભાગનાં ડેમો તળીયા ઝાટક બની ગયા છે. ભાદરમાં 50 ટકા જેટલું પાણી છે. સરકારની સુચનાં મુજબ ડેમનું પાણી પીવા માટ અનામત રાખીને પ્રિ – ખરીફ પાક માટે પાણી છોડવાનું સિંચાઈ વિભાગે આયોજન કર્યુ છે. રાજકોટ જિલ્લાનાં 25 મોટા ડેમોમાંથી ભાદર, મોજ, ફોફળ સહિત ચારથી પાંચ ડેમમાંથી પ્રિ- ખરીફ માટે પાણી છોડવામાં આવશે

   દેવભૂમી દ્વારકા પંથકની સ્થિતિ સૌથી વધુ વિકટ છ. જિલ્લાનાં છે જળાશયોમાં માત્ર 3.5 ટકા જ પાણીનો જથ્થો હાલ રહયો છે. ઘી સહિતનાં ડેમોનાં તળીયા દેખાઈ ગયા છે. દ્વારકાને પાણી પુરૂ પાડતા ઘી ડેમનાં તળીયા દેખાઈ ગયા છે. બોટાદ જિલ્લામાં ડેમોમાં માત્ર આઠ ટકા , પોરબંદર 21 ટકા, સુરેન્દ્રનગર 19 ટકા , અમરેલી 31 ટકા , જૂનાગઢ 26 ટકા , જામનગર 21 ટકા, મોરબી 32 ટકા પાણીનો જીવંત જથ્થો રહયો છે. સૌરાષ્ટ્રનાં ડેમો ગત ચોમાસામાં સારા વરસાદને કારણે ભરાઈ ગયા હતા અને પાણીનું ચિત્ર સારૂ ઉપસ્યુ હતુ પરંતુ આકરા ઉનાળાનાં બે મહિના પુરા થતાની સાથે જ મોટા ભાગનાં ડેમો ક્રિક્રેટનાં મેદાન બની ગયા છે. પંદરેક દિવસ બાદ સ્થિતિ વધુ ગંભીર બનશે તેવા સંકેતો મળી રહયા છે. .

(10:42 pm IST)