Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગુજસીટોકના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

.ગેંગના આઠ આરોપીઓની અગાઉ પોલીસ દ્વારા ધરપકડ થઈ ચુકી છે: મુખ્ય સૂત્રધાર એક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો

સુરત પોલીસ ચોપડે ગુજસીટોકના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર “ગાજીપરા “ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.ગેંગના આઠ આરોપીઓની અગાઉ પોલીસ દ્વારા ધરપકડ થઈ ચુકી છે. જો કે ગેંગનો મુખ્ય સૂત્રધાર છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો.જેને વરાછા બસ ડેપો ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.સુરત શહેરમાં માથાભારે અને ગુંડાતત્વોનો સફાયો કરવા શહેર પોલીસ દ્વારા ગુજસીટોકનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે.શહેર પોલીસ દ્વારા આવી જ એક ગેંગ વિરુદ્ધ એક વર્ષ અગાઉ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ગેંગના આઠ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે છેલ્લા એક વર્ષથી ફરાર ગેંગના મુખ્ય સૂત્રધારને પણ ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યાનુસાર એક વર્ષ અગાઉ “વિપુલ ગાજીપૂરા”ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિપુલ ગાજીપરા ગેંગના સભ્યો ગુનો દાખલ કરી એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કેટલાક આરોપીઓ અલગ-અલગ ગુનાની અંદર અગાઉથી જેલવાસ ભોગવી રહ્યા હતા.જે આરોપીઓની પણ અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.જો કે ગાજીપૂરા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાતા જ ગેંગનો મુખ્ય સૂત્રધાર આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ ભૂગર્ભ માં ઉતરી ગયો હતો.ગુનો નોંધાયાના છેલ્લા એક વર્ષથી આરોપી ફરાર હતો.જે આરોપીને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ છેલ્લા એક વર્ષથી સતત પ્રયત્નશીલ હતી.જ્યાં અંતે ગેંગના મુખ્ય સૂત્રધાર આઝાદ ઉર્ફે આઝાદ પઠાણને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી હતી કે ગુજસીટોકના ગુનાનો આરોપી આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ વરાછા રોડ પર આવેલ લંબે હનુમાન સ્થિત બસ ડેપો ખાતે આવી રહ્યો છે.

જે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગાજીપુરા ગેંગ વિરુદ્ધ અનેક ગુનાઓ શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. જેમાં મારામારી,લૂંટ,ખંડની,રાયોટિંગ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. જોકે હાલ ઘરના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.જ્યાર થી સુરત પોલીસ દ્વારા ગુના નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં મોટી ગેંગ સાથે સંકળાયેલા લોકો ભુર્ગભમા ઉતરી ગયા છે.

   
(11:36 pm IST)