Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ઊંઝાથી નિકાસ થતાં જીરુમાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો: વેપારીઓમાં ચિંતાનો માહોલ

છેલ્લા બે વર્ષથી ચાઇના દ્વારા જીરું ટેસ્ટિંગના પરિમાણમાં ફેરફાર કરાતા ભારતથી મોકલેલા જીરુંના સેમ્પલ ચાઇનામાં ફેઈલ થઈ રહ્યા છે

અમદાવાદ :  કોરોના બાદ ભારતીય જીરુંની નિકાસ ઉપર અસર થઈ છે. આ વર્ષે ઊંઝાથી નિકાસ થતાં જીરુમાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડો થવાનું કારણ વિદેશમાં જીરુ સેમ્પલ ટેસ્ટિંગના બદલાયેલા પરિમાણ છે. ભારતના ખેડૂતો જીરુ પકવવા માટે વધુ પડતા પેસ્ટીસાઈડનો ઉપયોગ કરે છે. જેને લઇને જ્યારે પણ ઊંઝાથી જીરુ વિદેશ મોકલવામાં આવે ત્યારે તેના સેમ્પલ ફેઈલ થાય છે.

   ભારતીય મસાલા બજારમાં જીરુંની નિકાસ ખૂબ મહત્વની છે. દર વર્ષે જીરુંની 50 લાખ બોરીની નિકાસ થાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ભારતીય જીરુંની નિકાસ ઉપર પેસ્ટીસાઈડનું ગ્રહણ લાગ્યું છે. ભારતીય જીરુંનું ચાઇનામાં સૌથી મોટું માર્કેટ છે. ઊંઝાથી નિકાસ થતું 70 ટકા જીરું ચાઈનામાં નિકાસ થાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ચાઇના દ્વારા જીરું ટેસ્ટિંગના પરિમાણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને ભારતથી મોકલેલા જીરુંના સેમ્પલ ચાઇનામાં ફેઈલ થઈ રહ્યા છે. આ કારણે ચાઇના સાથે જીરુંનો વેપાર અટકી ગયો છે. આ કારણે આ વર્ષે જીરુંની નિકાસમાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

  જીરુંની નિકાસમાં ઘટાડો ભારે ચિંતાનો વિષય છે. આ ઘટાડા ને લઈને નિકાસકારો પણ મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ ઉત્પાદન ઓછું હોવા છતાં જીરુંના યોગ્ય ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા. આ સ્થિતિને લઈને થોડા સમય પહેલા નિકાસકારો દ્વારા ઊંઝા એપીએમસીને આવેદનપત્ર પણ આપ્યું હતું. આ દિશામાં સરકાર દ્વારા યોગ્ય જાગૃતિ વિષયક કાર્યક્રમ શરૂ થાય તેવી અપીલ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતો દ્વારા વિવિધ જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ વિદેશમાં પ્રતિબંધિત છે અને જ્યાં સુધી દવાઓનો ઉપયોગ નહીં ઘટે ત્યાં સુધી આ સ્થિતિમાં સુધાર આવવો લગભગ અશક્ય છે.

(12:47 am IST)