Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મહંત દિલીપદાસજીએ પ્રસાદ તરીકે માસ્કનું વિતરણ કર્યું : કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું

ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

અમદાવાદ,તા.૧૨: શહેરમાં કોરોના નિયમોના કડક પાલન સાથે જગતના નાથ નગરચર્યાએ નિકળ્યા હતા. અમદાવાદ માં ભગવાનની ૧૪૪ મી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી છે. મંદિરના મહંત દિલીપદાસજી પ્રસાદ તરીકે માસ્કનું વિતરણ કરતા જોવા મળ્યા હતા.

રથયાત્રા એટલે તો એવો પર્વ કે જેની આખા વર્ષ દરમિયાન ભકતો આતુરતાથી રાહ જોતા હોય. રથયાત્રા એટલે તો લોકોત્સવ. રથયાત્રા એટલે તો લોકો દ્વારા ઉજવાતો ઉત્સવ. સંપૂર્ણ વર્ષ દરમિયાન ભકતો કહેતા હોય છે કે કયારે આવે અષાઢી બીજ અને કયારે જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે.

રથ દ્વારા કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથને પણ માસ્ક પહેરાવવામાં આવ્યું હતું જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દિલીપદાસજી પ્રસાદ તરીકે માસ્કનું વિતરણ કર્યું હતું.

આ વખતની રથયાત્રા માં ભકતોમાં પ્રસાદ વિતરણ પર રોક હતી. જો કે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભગવાનનાં આશિર્વાદ તરીકે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. સંદેશ સ્પષ્ટ હતો કે, કોરોનાની ગાઈડલાઈન મુજબ જ રથયાત્રા યોજવી અને ૨૩ હજાર પોલીસ કર્મીઓનાં પહેરા વચ્ચે જગતનાં નાથ જગન્નાથની રથયાત્રા આખરે સંપન્ન થઈ હતી.

જગન્નાથ મંદિરનાં મહંત દિલીપ દાસજી મહારાજે લોકોને દ્યરે રહીને જ દર્શન કરવા અપીલ કરી હતી. તેમણે કોરોનાને લઈ ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવ્યું હતું.

આમ તો, અમદાવાદના જગદીશ મંદિરમાં માલપુઆ એટલે કે કાળી રોટલીનો પ્રસાદ સંપૂર્ણ વર્ષ દરમિયાન મળે. પણ રથયાત્રા ના દિવસે તો મગ, કાકડી અને જાંબુનો જ પ્રસાદ મળે. પરંતુ આ વર્ષે રથયાત્રા દરમિયાન મહંત દિલીપદાસજીએ માસ્ક નો પ્રસાદ આપ્યો હતો.

અમદાવાદમાં ભગવાનની ૧૪૪ મી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી હતી. ૩ કલાક ૪૦ મિનિટમાં જ રથયાત્રા પૂર્ણ થઇ હતી.

(4:17 pm IST)