Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ખબરદાર, વેક્‍સિન ડોઝ નહિ લીધો હોય તો પોલીસ સ્‍ટેશનમાંથી જ સીધો ફોન આવશે

દરેક પોલીસ મથકના બે પોલીસ કોન્‍સ્‍ટેબલ સવારથી રાત સુધી આજ કાર્યમાં પ્રવળત્ત,પોલીસની વિનંતી આદેશ હોય છે તેવું સમજનાર દોડતા થયા : મહાનગરપાલિકાની વિનંતી ન સ્‍વીકારનાર લોકોથી કંટાળી પોલીસને જવાબદારી સુપ્રત કરવાનો ગુજરાતમાં અમદાવાદથી અનોખા પ્રયોગનો પ્રારંભ

રાજકોટ તા.૧૩,  કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઇ ગયેલ છે, સાથે સાથે ઓમિક્રોનનો ખતરો પણ છે, આમ છતાં ઘણા લોકો જાતે બેદરકાર રહી અને પોતાના તથા અન્‍ય લોકો પરિવારના જીવ જોખમમાં મૂકી રહ્યા હોય તેમ એક તરફ બૂસ્‍ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્‍યારે કેટલાક લોકો દ્વારા ઘોર બેદરકારી રાખી બીજો ડોઝ પણ ન લેતા આવા વ્‍યક્‍તિઓની  વોર્ડવાઇઝ અને વિસ્‍તાર વાઇઝ તૈયાર કરેલ યાદી અમદાવાદમાં પોલીસને સુપરત કરી પોલીસ મથક દ્વારા લોકોને કોલ કરવાની પદ્ધતિ અમલમાં મુકાતા પોલીસની વિનંતી અવગણી તો શું થાય તેવું સારી રીતે સમજતા લોકો દ્વારા વેક્‍સિન લેવા દોડધામ મચી છે, જોકે એ અલગ વાત છે કે પોલીસ તંત્ર પર કામનું ભારણ છે ત્‍યારે આ વિશેષ જવાબદારીને કારણે થોડો કચવાટ પ્રવર્તે છે,જોકે વિશાળ જન હિતમાં હવે આ પ્રયોગ રાજ્‍ય વ્‍યાપી બને તેવા સંકેત સૂત્રોમાંથી સાંપડી રહ્યા છે.                                              
સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ અમદાવાદ પોલીસને મહાનગરપાલિકા દ્વારા જે લીસ્‍ટ મળેલ છે તેની સંખ્‍યા અધધધ છે, મતલબ વેક્‍સિન લેવાની આડસ કે ઓછી જાગળતિ કેટલી હદે છે તેની ચાડી ખાય છે, એક પોલીસ સ્‍ટાફને રોજ ૩૦૦ લોકોને કોલ કરવાની જવાબદારી સુપ્રત કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.                                 
અત્રે યાદ રહે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસો ધ્‍યાને રાખી જે વિવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે તેમાં બાકી લોકોને વેક્‍સિન માટે કોલ કરવામાં આવેલ, પરંતુ અનેક વિનંતીઓ છતાં  હઠીલા લોકો  વિનંતીઓની એસી તેસી કરતાં હોવાથી આવી જવાબદારી અમદાવાદ પોલીસને સુપ્રત કરવાં નિર્ણય કરવામાં આવેલ.                     
 અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લાખો લોકોનું બાકી લીસ્‍ટ વોર્ડવાઇઝ બનાવી પોલીસને સુપરત કરેલ, જે બાદ જે તે પોલીસ મથકને તેમના વિસ્‍તારની હદમાં આવતા વોર્ડનું લીસ્‍ટ આપવામાં આવેલ. દરેક પોલીસ મથકમાં બે સ્‍ટાફની ફાળવણી ફકત આ કાર્ય માટે જ કરવામાં આવી છે. ફરજ પર હાજર થતાં સાથે જ જેમને આ કામગીરી સુપરત કરવામાં આવી છે તેવો મોડે સુધી ફોન દ્વારા જ આ કાર્યવાહીમાં ગળાડૂબ બને છે.

 

(2:01 pm IST)