Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કેડેવર અંગદાનને પ્રોત્‍સાહન આપવા માટે અમદાવાદના આઇકેડીઆરસી ખાતે વિશાળ પતંગનું અનાવરણ

આ વિશાળ પતંગ ‘સ્‍વૈચ્‍છિક અંગદાન કાર્ય દ્વારા જીવનને ઉચ્‍ચ સ્‍તરે ઉડવાની તક આપો'નો સંદેશ દર્શાવે છે

અમદાવાદ તા. ૧૩ :કેડેવર અંગદાનમાં વધારો કરવાની જરૂરીયાત પર ભાર મૂકતા ઇન્‍સ્‍ટિટયુટ ઓફ કિડની ડીસીઝ એન્‍ડ સેન્‍ટર (આઇકેડીઆરસી) એ ગુરૂવારે મકર સંક્રાંતિના અવસર પર અંગદાનના મહત્‍વ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ પતંગનું અનાવરણ કર્યુ હતું.
એક કેડેવર અંગદાન દ્વારા ઓછામાં ઓછી આઠ જિંદગી બચાવવા માટે સ્‍વૈચ્‍છિક દાન વિશેના સંદેશ સાથે આઇકેડીઆરસીકેમ્‍પસમાં વિશાળ પતંગ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વિશાળ પતંગ ‘સ્‍વૈચ્‍છિક અંગદાન કાર્ય દ્વારા જીવનને ઉચ્‍ચ સ્‍તરે ઉડવાની તક આપો'નો સંદેશ દર્શાવે છે. સંસ્‍થાએ અંગદાનનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવા માટે કેમ્‍પસમાં આવતા દર્દીઓના બાળકો અને સંબંધીઓને પતંગ અને માસ્‍ક પણ આપ્‍યા હતા.
‘અંગોનું દાન એ અંગોની જરૂરિયાતવાળા લોકો પ્રત્‍યે ઉદારતાનું કૃત્‍ય છે, જેથી તેઓને તેમનું જીવન ટકાવી રાખવામાં મદદ મળે.જો બ્રેઈન-ડેડ વ્‍યક્‍તિના પરિવારજનોને તેનું મહત્‍વ સમજાય, તો કેડેવર દાન ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટેના દર્દીઓની પ્રતિક્ષા યાદીનો અંત લાવવામાં મદદ કરશે.'- તેમ આઇકેડીઆરસી-આઇટીએસના ડિરેક્‍ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્‍યું હતું.
તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે બ્રેઈન-ડેડ દર્દીઓ દરરોજ હોસ્‍પિટલોમાં વેન્‍ટિલેટરી સપોર્ટ પર હોય ત્‍યારે મૃત્‍યુ પામે છે, પરંતુ કેડેવર દાન અંગે જાગૃતિના અભાવે અંગદાનની શક્‍યતા શોધવાના પ્રયાસ વિના અંતિમ સંસ્‍કાર કરવામાં આવે છે.
વધુમાં તર્ક આપતા ડો. મિશ્રાએ જણાવ્‍યું, ‘કેટલીક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ અને વ્‍યક્‍તિઓ માસ-મીડિયાના સમર્થન સાથે ગુજરાતમાં ૨૦૨૫ સુધીમાં જીવંત-સંબંધિત અંગ પ્રત્‍યારોપણને સમાપ્ત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આ લક્ષ્ય હાંસલ કરવા માટે સમુદાયના મજબૂત સમર્થનની જરૂર છે.'
જાગૃતતાના  અભિયાનમાં કચ્‍છના સમાજસેવી અગ્રણી શ્રી દિલીપભાઈ દેશમુખની સંસ્‍થા  અને ગુજરાત મીડિયા ક્‍લબની ખાસ ભૂમિકામાં પણ સામેલ છે. સામાજિકજાગૃતતાના આ ઝુબેંશ થકી એક અનુમાન પ્રમાણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગુજરાતમાં સરેરાશ કેડેવર ડોનશનમાં બમણો વધારો થયો છે.

 

(4:30 pm IST)