Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ગાંધીનગરના માણસામાં બંધ મકાનમાં ચોરી કરવા ઘુસેલા તસ્‍કરને કડકડતી ઠંડીમાં ઉંઘ આવી ગઇઃ સવારે મકાન માલિકે તાળુ ખોલતા ગાઢ નિંદ્રામાં ઝડપી લીધો

અચાનક બંધ મકાનમાં અવાજ આવતા પાડોશીએ બહારથી દરવાજો બંધ કરી દીધો

ગાંધીનગર: ગાંધીનાગરના માણસાના રીડ્રોલ ગામમાં ચોરીની અનોખી ઘટના બની છે. માણસામાં બંધ મકાનમાં ચોરી કરવા માટે ઘૂસેલો ચોર શિયાળાની તીવ્ર ઠંડીમાં ઘરમાં જ ગાઢ નિંદ્રામાં જ સૂઈ ગયો અને આખરે પકડાઈ ગયો હતો. બીજા દિવસે મકાન માલિકે તાળું ખોલતા ચોર ગાઢ નિંદ્રા માણી રહ્યો હતો. મકાન માલિકો પોલીસને બોલાવીને ચોરને ઝડપી પોલીસને સોંપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના માણસામા ચોરીની અજીબ ઘટના બની હતી. શિયાળાની ઠંડીમાં ચોરીના પ્રમાણ વધી જતા હોય છે, પરંતુ એક ચોરને જ આટલી બધી ઠંડી લાગશે તેવુ ક્યારેય વિચાર્યુ ન હતું. ગાંધીનગરના માણસા તાલુકાના રીદ્રોલમાં ગઈકાલે રાત્રે ચોરીના ઈરાદે બંધ મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ્યો હતો. જોકે, ઠંડીની રાત્રિ દરમિયાન નિરવ શાંતિ વચ્ચે અચાનક બંધ મકાનમાં અવાજ આવતાં પાડોશીએ બહારથી દરજજો બંધ કરી દીધો હતો.

આજે સવારે મકાન માલિકે દરવાજો ખોલતાં જ ચોર ટુટયું વાળીને ગાઢ નિંદ્રામાં પોઢી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. મકાન માલિકે ચોરને પોલીસના હવાલે કર્યો હતો. જોકે, રાત્રિ દરમ્યાન ચોરે ઘરનો તમામ સર સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. તિજોરીનું તાળું પણ તોડી નાંખ્યું હતું. જો કે દરવાજો બહારથી બંધ હોવાથી ચોરને ભાગવાનો રસ્તો મળ્યો ન હતો. આખરે હારી થાકીને ચોર શિયાળાની આકરી ઠંડીમાં ઘરનાં ઓરડામાં જઈને બેફિકર થઈને સૂઈ ગયો હતો.

(5:08 pm IST)