Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ચોમાસાની દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી : સૌરાષ્ટ્રમાં ૩ દિવસમાં આગમન

મધ્ય અરબી સમુદ્રથી ઉત્તર અરબી સમુદ્ર તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધી રહ્યુ છે : બપોર બાદ કે રાત્રીના સમયે છૂટાછવાયા સ્થળોએ પ્રિ-મોન્સુન એકટીવીટી જોવા મળશે, ઝાપટાથી માંડી અઢીથી ત્રણ ઈંચ સુધીનો વરસશે ચોમાસાના આગમન બાદ ક્રમશઃ વિસ્તારોમાં વધારો થતો જશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૧૩ : સારા સમાચાર છે. ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે અને આગામી ૩ દિવસમાં સૌરાષ્ટ્રમાં પણ આગમન થઈ જશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હાલ મધ્ય અરબી સમુદ્રથી ઉત્તર અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યુ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યુ છે.

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારો અનુભવી રહેલા લોકો માટે રાહતરૂપ સમાચાર છે. હાલમાં છેલ્લા ૩ - ૪ દિવસથી કોઈ ને કોઈ જગ્યાએ છૂટોછવાયો ગાજવીજ સાથે વરસી જાય છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ રહેશે. સીબી ફોર્મેશન બન્યા બાદ દરરોજ કોઈ ને કોઈ સ્થળોએ ઝાપટાથી માંડી અઢી થી ત્રણ ઈંચ સુધીનો વરસી જાય. ખાસ કરીને બપોર બાદ કે સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. હાલ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે. જયારે મોન્સુન ટચ થયા બાદ વિસ્તારોનું પ્રમાણ વધતુ જોવા મળશે. હાલ તો દરરોજ ક્રમશઃ કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ ગઈકાલે વાદળછાયા વાતાવરણ જોવા મળ્યુ હતું. સાંજના સમયે મેઘરાજા વરસતા અસહ્ય ગરમી બફારાનો અનુભવ પ્રવર્તી રહેલા લોકોને રાહત મળી હતી. પોણો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

(11:38 am IST)