Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ડેડીયાપાડામાં થનાર બિરસામુંડાની પ્રતિમાનાં અનાવરણ કાર્યક્રમને રોકવાનો પ્રયાસ : આગેવાનો અને તંત્ર વચ્ચે ચકમક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા ખાતે 13 મી સપ્ટેમ્બર ના રોજ આદીવાસી અધિકાર દિવસના રોજ ' બીરસા મુંડા સ્મારક સમિતિ 'દ્વારા બિરસામુંડાની મૂર્તિનું અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. છેલ્લા કેટલાક સમયથી આ અનાવરણના કાર્યક્રમની તૈયારીઓ જોરશોર થી ચાલતી હતી. પુના થી આ પ્રતિમાને 12 સપ્ટેમ્બરના રોજ ડેડીયાપાડા ખાતે મુકવામાં આવી હતી. તે સમયે નેશનલ હાઇવે અધિકારીઓ અને સ્થાનિક પ્રસાશન પોલીસની મદદથી રોકવામાં આવતા બીરસા મુંડા સ્મારક સમિતિના આગેવાનો અને હાઇવેના અધિકારીઓ વચ્ચે ચકમક થઈ હતી

 નેશનલ હાઇવેના અધિકારીઓનું કહેવું હતું કે તે મૂર્તિની સ્થાપના જ્યાં થાય છે તે જગ્યા હાઇવે ઓથોરિટીની હદમાં આવે છે એટલે તમારે પરવાનગી લેવી જોઈએ જે નથી લીધી. જ્યારે સ્મારક સમિતિ દ્વારા આ કામ ચાલુ કરતા પહેલા હાઇવેના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા જિલ્લા પંચાયતની હદમાં આવતું હોવાનું જણાવ્યુ હતું. સ્મારક સમિતિ દ્વારા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની પરવાનગી લીધા બાદ જ આ મૂર્તિની સ્થાપના કરવાની જગ્યાનું બાંધકામ ચાલુ કર્યું હતું. ત્યારે આવતીકાલે મૂર્તિનું અનાવરણ થનાર છે અને આગલા દિવસે નેશનલ હાઇવેના અધિકારીઓ પોલીસ બંધોબસ્ત સાથે આવી મૂર્તિ સ્થાપનાનો કાર્યક્રમ અટકાવતા હવે રાજકારણ ગરમાયુ છે. ત્યારે  રાજકીય અદાવત અને કિન્નખોરી રાખી આ કાર્યક્રમને રોકવામાં આવી રહ્યા હોવાનું હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

(10:47 pm IST)