Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

છેલ્લા બે દાયકાથી રાજ્યના વિકાસની હરણફાળમાં ગુજરાતે તેની આગેકૂચ જારી રાખી છે : પર્યુષાબેન વસાવા

અંદાજે રૂા.૬.૬૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા વિવિધ વિકાસ કામોનું કરાયું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત: રાજપીપલા ખાતે પર્યષાબેન વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો રાજપીપલા પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી રાજ્ય વિકાસની હરણફાળ ભરવામાં ગુજરાતે અવિરત આગેકૂચ જારી રાખી છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કંડારેલી વિકાસની કડીએ ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ વિકાસયાત્રા સતત આગળ ધપાવી છે. ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આજે તેના સાશનકાળનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જે સમગ્ર ગુજરાતવાસીઓએ સરકારમાં મુકેલા વિશ્વાસ અને તેના થકી રાજ્યમાં થયેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે.


જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પ્રાંત કક્ષાએ યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના રાજપીપલા પ્રાંત કક્ષાના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકતા બોલી રહ્યાં હતાં. આ પ્રસંગે પર્યુષાબેન વસાવાના હસ્તે અંદાજે રૂા.૬.૬૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૫૨૯ જેટલા વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂતની ડિજીટલ માધ્યમથી ઉક્ત વિકાસ કામોની તકતીનું અનાવરણ કરાયું હતું. જેમાં રૂા.૪.૫૬ કરોડથી પણ વધુની રકમના ખર્ચે ૩૦૪ જેટલા વિકાસ કામોના ઇ-ખાતમુર્હૂત અને અંદાજે રૂા.૨.૦૯ કરોડથી વધુની રકમના ખર્ચેના ૨૨૫ જેટલા વિકાસ કામોના ઇ-લોકાર્પણનો સમાવેશ થાય છે.

નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યાભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધમાં જણાવ્યું હતું કે, આજના સમારોહમાં જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓનો થયેલો સુભય સમવય જિલ્લાવાસીઓની વિકાસની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષવામાં કડીરૂપ બનવાની સાથો સાથ નર્મદા જિલ્લો આગામી સમયમાં વિકાસની દિશામાં ચોક્કસ નંદનવન બની રહેશે, તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.
 આ પ્રસંગે નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઇ વસાવા અને પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.
આ સમારોહમાં ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન ભીલ, તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન તડવી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષઓ,રમણસિંહ રાઠોડ, વિક્રમભાઇ તડવી, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યઓ, પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધિયા, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો ગ્રામજનો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભમાં તિલકવાડાના મામલતદાર પ્રતિક સંગાડાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં અને અંતમાં નાંદોદના આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી પટેલે આભાર દર્શન કર્યું હતું.

 

(10:50 pm IST)