Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

બે વર્ષ ઘરમાં રહેલું યૌવનધન નવરાત્રીમાં રમણે ચઢશે

સતત બે વર્ષ કોરોનાની મહામારીમાંથી મળેલી મુકિત મહોત્‍સવમાં તાદ્રશ્‍ય થશે : નવરાત્રીના ૧૪ દિવસ પૂર્વે ખરીદીનો ધમધમાટ ! ચણિયા-ચોળી ખરીદવા બજારોમાં ભીડ : ગરબા વૃંદોએ રિહર્સલ શરૂ કર્યું : શહેરના પ્રખ્‍યાત ગરબાવૃંદોએ પોતાના સાજિંદાઓ સાથે ગરબાના લય-તાલ સાથે રિહર્સલ શરૂ કરી દીધું છે. શહેરના નામાંકિત ગરબાના ગાયક હાલમાં વિદેશમાં ગરબા કાર્યક્રમોમાં વ્‍યસ્‍ત છે. તેઓ નવરાત્રી પૂર્વે વડોદરા આવનાર હોવાનું જાણવા મળ્‍યુ છે.

વડોદરા,તા. ૧૩ : કોરોનાકાળમાં બે વર્ષ ઘરની ચાર દિવાલ વચ્‍ચે ગોંધાઇ રહેલુ  યૌવનધન આ વર્ષે નવરાત્રી ઉજવવા થનગની રહ્યુ છે. નવરાત્રીના પાવનપર્વના ૧૪ દિવસ પૂર્વે બજારોમાં ચણિયા-ચોળી અને સાંજ શણગાર ખરીદવા ભીડ જામવા માંડી છે.

નવાબજાર, મંગળબજાર,એમ.જી. રોડ, કારેલીબાગ, અલકાપુરી, રેસકોર્ષ, વિશ્વામિત્રી રોડ, ઇલોરા પાર્ક સહિતના વિવિધ વિસ્‍તારોમાં ચણીયાચોળી સહિત નવરાત્રીનો સાંજ-શણગાર વેચનારાઓએ પથારા પાથર્યા છે. ખાસ કરીને નવરાત્રીના ભાતિગળ ચણિયાચોળી સહિતના પરિધાનો ખરીદવા માટે યૌવનાઓ બજારમાં ઉમટી રહી છે. જેના અંતર્ગત કારણોમાં કોરોનાકાળના બે વર્ષ દરમિયાન નવરાત્રીના ઢોલ ન ઢબુકતા યૌવનધન નિરાશાની ઘોર અંધકારમય ગર્તામાં ગડાડૂબ થયું હતું

પરંતુ, હવે પરિસ્‍થિતી રાબેતા મુજબની થતા ઉત્‍સવોનો ઉમળકો એટલો બધો વધ્‍યો છે કે નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નવાબજારમાં કામિનીબેન પ્રજાપતિએ જણાવ્‍યુ હતું કે સુરત, અમદાવાદ, રાજકોટ, પાલિતાણા, જામનગર, અંબાજી, કચ્‍છ-ભુજ સહિત દેશભરના વિવિધ વિસ્‍તારોમાં રંગ-બેરંગી, જાત-જાતના અને ભાત-ભાતના ચણિયા-ચોળી વેચાવા આવ્‍યા છે. આ વર્ષે કચ્‍છી પટોળા, લહેરીયા, બાટીક, લખનવી, ચિકનવર્ક સહિતની અનેકવિધ વરાયટીઓ આવી છે.

તદુપરાંત ક્રસવાળા દુપટ્ટા, ઝુલવાળી ચોલી, બાંધણી, લખનવી, ચણિયા રૂા. ૭૦૦ થી ૩૫૦૦ સુધી મળે છે. જ્‍યારે ક્રસવાળા દુપટ્ટા રૂા. ૩૦૦ના ભાવે વેચાય છે. જ્‍યારે ટાપેટા સિલ્‍ક વર્ક કે હેવી લૂકના ચણિયાચોળી રૂા. ૫૦૦૦ સુધી પણ ઉપલબ્‍ધ હોવાનું જાણવા મળ્‍યુ હતું. નવાબજારમાં વર્ષોથી વેપાર કરતા કમલેશભાઇ પ્રજાપતિએ ઉમેર્યું હતુ કે મહામારીના બે વર્ષ દરમિયાન ઉત્‍સવો ફિક્કા પડયા હતા. પરંતુ અચા વર્ષે પરિસ્‍થિતી રાબેતા મુજબની થતા જ યૌવનધનનો ઉમળકો એટલો બધો વધ્‍યો છે કે નવલા નોરતાના ઢોલ ઢબુકવા લાગ્‍યા છે. તેમ વડોદરા સંદેશ જણાવે છે.

(10:37 am IST)