Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

પાંચ દિવસ સમગ્ર રાજયમાં ભારે વરસાદ પડશે

જેમાં ત્રણ દિ' વરસાદનું જોર વધુ જોવા મળશે, સૌરાષ્‍ટ્રના ડેમોને હાઈએલર્ટ કરાયા

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. અરબ સાગરમાં સકર્યુલેશનના કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે જેમાં સૌરાષ્‍ટ્રમાં અતિ ભારે વળી, મધ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસાદ રહેવાની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં ભારે વરસાદની સાથે ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગે વડોદરા,  છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વળી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ ઉપરાંત સુરેન્‍દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીમાં તેમજ મધ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરેન્‍દ્રનગરનો ધોળીધજા ડેમ ૯૯.૧૪ ટકા ભરાઈ જતા સુરેન્‍દ્રનગર સહિત ૧૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે. નીચાણવાળા વિસ્‍તારોમાં નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. ધોળીધજા ડેમ ઓવરફ્‌લો થવાથી ભોગાવો નદીમાં પાણી આવવાની સંભાવનાને પગલે તંત્ર સાબદુ બન્‍યુ છે. ડેમની કુલ ક્ષમતા ૨૦ ફૂટ છે જેમાંથી હાલમાં ૧૯.૧૪ ફૂટથી વધુ પાણી છે. નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઈને ડેમ ઓવરફ્‌લો થવાની સંભાવના છે.

(2:00 pm IST)