Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કોંગ્રેસ સમાપ્‍ત થઇ ચુકી છેઃ ભાજપ સિવાય અમે જ વિકલ્‍પઃ અમારી સરકાર આવ્‍યે પેપરો ફોડનારા જેલભેગા થશેઃ ‘આપ'ના કોઇ મંત્રી ભ્રષ્‍ટાચાર કરશે તો પણ સજા

કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસઃ ભરચક્ક કાર્યક્રમોઃ ભ્રષ્‍ટાચારમુક્‍ત અને ભયમુક્‍ત શાસન આપવા કોલ

અમદાવાદ, તા.૧૩: દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ  દરમિયાન કોંગ્રેસના આક્ષેપના જવાબ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કોંગ્રેસ સમાપ્ત થઈ ચૂકી છે.  દિલ્‍હીના મુખ્‍યમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે અને સફાઈ કર્મચારીઓને સંબોધન કરી રહ્યાં હતા. આ સમયગાળા દરમિયાન કેટલાક પત્રકારોએ તેમને સવાલ કર્યો હતો

પત્રકારે કેજરીવાલને કોંગ્રેસના આક્ષેપ વિશે પ્રશ્‍ન કર્યો હતો, જેના જવાબમાં દિલ્‍હીના મુખ્‍યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ સમાપ્ત થઈ ચૂકી છે. તેમના પ્રશ્‍નો લેવાનું બંધ કરો. લોકો આ મુદ્દે સ્‍પષ્ટ છે અને તેમના પ્રશ્‍નોની કોઈને પડી નથી. પત્રકારે કેજરીવાલને પ્રશ્‍ન કર્યો હતો કે કોંગ્રેસનો આરોપ છે કે પંજાબની આમ આદમી પાર્ટી સરકાર ગુજરાતમાં જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. જેના જવાબમાં કેજરીવાલે પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે કોંગ્રેસ સમાપ્ત થઈ ચૂકી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના સ્‍થાને તેમની પાર્ટી આપને ભાજપની હરિફ માની રહી છે. તેમણે કહ્યું કે રાજ્‍યમાં એવા પણ લોકો છે  જે ભાજપને પસંદ કરતા નથી અને કોંગ્રેસ માટે મતદાન કરવાનું ઈચ્‍છતા નથી. રાજ્‍યમાં ભાજપ સિવાય અમે જ એક વિકલ્‍પ છીએ.

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્‍યારે તેમણે ગુજરાતની જનતા માટે વધુ એક ગેરંટીની જાહેરાત કરશે. કેજરીવાલે આજે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. સાથે જ AAPમાં જોડાનાર નેતાઓ અને કાર્યકરોને આવકાર્યા હતા. ત્‍યારે કાર્યક્રમમાં તેમણે ગુજરાતની જનતા માટે વધુ એક ગેરેન્‍ટી આપી કે, ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્‍ત શાસન આપીશું.

કેજરીવાલે સંબોધનમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિશે કહ્યું કે, ગુજરાતમાં ચારેતરફ ભ્રષ્‍ટ્રાચાર છે. કોઇ પણ કામ કરાવવું હોય તો રૂપિયા આપવા પડે છે. નીચેથી લઇ ઉપર સુધી ભ્રષ્‍ટ્રાચાર છે. એમના વિશે કંઇ બોલો તો તેઓ ધમકાવવા પહોંચી જાય છે. તેથી અમે ગેરંટી આપીએ છીએ કે ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્‍ત શાસન આપીશું.  અમારા મુખ્‍યમંત્રી, મંત્રી, કે કોઇ અધિકારી ભ્રષ્ટાચાર નહિ કરે. જો કોઇ કરશે તો સીધા જેલ ભેગા થશે. ભાજપે આજ સુધી તેના કોઇ મંત્રીને જેલ મોકલ્‍યો નથી.

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે, સરકારના એક-એક પૈસાનો ઉપયોગ અમે પ્રજા માટે કરીશું. ગુજરાતના રૂપિયા સ્‍વીસ બેંકમાં નહી જાય. સરકારના પ્રજાના રૂપિયાનો ઉપયોગ ઉદ્યોગપતિઓ માટે નહી થાય. એવી વ્‍યવસ્‍થા ઉભી કરીશું કે કોઇએ સરકારી ઓફિસ નહી જવું પડે. અધિકારી તમારા ઘરે આવશે અને તમારૂ કામ થશે. દિલ્‍હી અને પંજાબમાં જે લાગુ પાડ્‍યું એગુજરાતમાં કરીશું. ગુજરાતમાં ચાલતા કાળા કામ બંધ કરવામાં આવશે. મંત્રી, ધારાસભ્‍યો અને અધિકારીઓના કાળા ધંધા બંધ કરીશું. ૧૦ વર્ષમાં જેટલા પેપર ફૂટયા છે તમામના માસ્‍ટર માઇન્‍ડ અને સરકારમાં બેઠેલા મળતીયાઓને જેલમાં નાંખીશું. વર્તમાન સરકારમાં જેટલા કૌભાંડ થયા તે તમામની તપાસ થશે અને તમામ પાસેથી રૂપિયા રીકવર કરવામાં આવશે.

તો ગઈકાલે સુરક્ષાના કારણોસર દિલ્‍હીના CM કેજરીવાલને રીક્ષામાં જતા અટકાવાયા હતા. ત્‍યારે આ મુદ્દે કેજરીવાલે જણાવ્‍યું કે, આ ચૂંટણી બાદ ગુજરાતમાંથી ભાજપ જઇ રહી છે અને આમ આદમી આવી રહી છે. પોલીસ મને સુરક્ષા નહોતી આપતી. તેમનો ઇરાદો મને સુરક્ષા આપવાનો ન હતો. પરંતું મન ે પ્રજા વચ્‍ચે જતા અટકાવવાનો હતો. શુ કોઇ મુખ્‍યમંત્રી રીક્ષામાં ન જઇ શકે? પોલીસ મને રીક્ષામાં સુરક્ષા ન આપી શકે.

ઉલ્લેખનીય છે કે, સાંજે સફાઈ કર્મચારી સાથેના ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. ટાઉનહોલ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ દિલ્‍હી જવા રવાના થશે.

(3:47 pm IST)