Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી પૂર્વે અમદાવાદના એસ.જી. હાઇવે, શ્‍યામલ, ગોતા સહિત વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ વરસ્‍યો

અરવલ્લી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવતા મધ્‍ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

અમદાવાદઃ આગામી 3 દિવસમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ત્રણ દિવસ સૌરાષ્‍ટ્ર, મધ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જ્‍યારે અમદાવાદના અમુક વિસ્‍તારોમાં ભારે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયુ છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના 127 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 5 દિવસ વરસાદની આગાહી

ગુજરાતભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તો ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ કે, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે. જેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશનને વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને અસરને લીધે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદનો માહોલ રહેશે. જેથી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં આજે મધ્યમ વરસાદ રહેશે. તો આવતીકાલે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજા દિવસે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોરે જ ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મેધરાજા વરસી પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો પ્રહલાદનગર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પડી રહી છે. ચાંદખેડામાં ધોધમાર એક ઇંચ તો બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા કે કે નગર, નારણપુરા, સરખેજ જુહાપુરા, આનંદનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો.

(4:54 pm IST)