Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

જગદ્‌ગુરૂ શંકરાચાર્ય પૂ. સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજીને સાંજે નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં ભુ-સમાધી અપાશે

સાધુ-સંતોને અગ્નિને સ્‍પર્શ કરવાની મનાઇ હોવાથી બ્રહ્મલીન થયા પછી પૃથ્‍વી કે જળ તત્‍વમાં વિલીન કરવાની પરંપરા

રાજકોટઃ બદ્રીનાથ અને શારદાપીઠના શંકરાચાર્ય સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીને મધ્‍યપ્રદેશના પરમહંસી ગંગા આશ્રમમાં ભુ-સમાધી અપાશે. ભુ-સમાધી એટલે પૃથ્‍વી-જમીનમાં વિલીન થવુ. સાધુ સંતોને સ્‍થળ પર સિદ્ધિયોગ મુદ્રામાં બેસાડી ભુસમાધી અપાય છે.

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું ગઈકાલે 99 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે સાડા 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. આજે નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં તેમને ભૂસમાધિ અપાશે. ભૂ-સમાધિ એટલે પૃથ્વી તત્વની અંદર વિલીન કરવામાં આવે છે. શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે, સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે.

કેમ અપાશે ભૂસમાધિ

હિંદુ ધર્મમાં સામાન્ય લોકોનો અંતિમ સંસ્કાર બાળીને કરવામાં આવે છે, પરંતુ સાધુ-સંતો માટે અંતિમ સંસ્કારના નિયમ અલગ છે. સંન્યાસીઓને સમાધિ આપવામાં આવે છે. સાધુ-સંતોનો અંતિમ સંસ્કાર જમીન કે જળમાં સમાધિ આપવાનો રિવાજ છે. સાધુ-સંતો માટે અગ્નિને સ્પર્શ કરવાની મનાઈ હોય છે. એટલે મૃત્યુ પછી પૃથ્વી તત્વમાં કે જળ તત્વમાં વિલીન કરવાની પરંપરા છે. તો બીજી તરફ, સમાધિના કારણે શિષ્યોને પોતાના ગુરુનું સાનિધ્ય હંમેશાં મળતું રહે છે.

ભૂસમાધિનું મહત્વ

ભૂ સમાધિ એટલે સાધુ-સંતોને જમીનમાં અપાતી સમાધિ. જેમાં તેમને સિદ્ધ યોગની મુદ્રામાં સમાધિ આપવામાં આવે છે. સામાન્ય રીતે સાધુ-સંતોને આ જ મુદ્રામાં સમાધિ અપાય છે, જેમાં તેમને સમાધિના સ્થળ પર સિદ્ધિ યોગની મુદ્રામાં બેસાડાય છે.

1950માં દંડ દીક્ષા લીધી

સ્વામી સ્વરૂપાનંદે 9 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું. જે પછી તેઓ કાશી પહોંચ્યા, ભારતના દરેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામી સ્વરૂપાનંદને 1950માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્યની પદવી મળી હતી.

19 વર્ષની વયે સ્વતંત્રતા સેનાની બન્યા

1942માં જ્યારે ભારત છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્વામી સ્વરૂપાનંદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે પ્રખ્યાત થયા. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા. તેઓએ રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી.

ત્રીજના દિવસ જન્મદિવસ મનાવ્યો હતો

જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોર્તિમઠ)ના શંકરાચાર્ય છે. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જ્યાં તેમને બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું. વર્ષ 1942ના સમયગાળામાં તેઓ માત્ર 19 વર્ષના હતા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમકે તે સમયે દેશમાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. શંકરાચાર્યજીના 99મા જન્મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી.

(4:58 pm IST)