Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

૨૦ વર્ષનો વિશ્વાસ-ર૦ વર્ષનો વિકાસ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની રાજ્યવ્યાપી ઉજવણી : કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી પ૧૯ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહૂર્તની ભેટ આપી : મુખ્યમંત્રીશ્રી મહાત્મા મંદિરના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયા : વિવિધ જિલ્લા મથકોએ મંત્રીશ્રીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતીમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમો સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમે ‘ગુજરાત ફર્સ્ટ’ની નીતિને આગળ ધપાવી છે : કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી : ગુજરાતમાં ર૦ વર્ષનો વિકાસ-સરકાર પરનો જનતાનો ર૦ વર્ષથી અવિરત વિશ્વાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વનું પરિણામ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજકોટ તા.૧૩ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતનો ૨૦ વર્ષનો વિકાસ અને ગુજરાતીઓનો સરકાર પરનો ૨૦ વર્ષથી અવિરત વિશ્વાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને આભારી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં નંખાયેલા વિકાસના મજબુત પાયાને પરિણામે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ગાંધીનગરમાં વિશ્વાસથી વિકાસ યાત્રાની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.  

-:શ્રી અમિતભાઇ શાહ:-

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલી કુલ રૂ. ૧૧૭૯ કરોડના ખર્ચે કુલ ૫૧૯ જનહિતલક્ષી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત, સામાન્ય વહીવટ, ગ્રામ વિકાસ, બંદરો અને વાહન વ્યવહાર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળસંપત્તિ, શિક્ષણ, સામાજિક ન્યા અને અધિકારિતા, પાણી પુરવઠા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ તથા માર્ગ અને મકાન વિભાગના રૂપિયા ૩૯૪ કરોડના ખર્ચે ૨૦૯ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા રૂપિયા ૭૮૫ કરોડના ખર્ચે ૩૧૦ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

આ પૈકી ગાંધીનગર સંસદીય વિસ્તારમાં રૂ. ૩૪૬ કરોડના ખર્ચે ૧૭૦ જેટલા વિકાસકાર્યો કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

શ્રી શાહે ગુજરાતે છેલ્લા એક વર્ષમાં મેળવેલી સિદ્ધઓ વિશે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં નીતિ આયોગના હર ઘર જલ, પીએમ-જય અને ગ્રામીણ વિકાસ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ છે. વૈશ્વિક ટકાઉ સૂચકાંકમાં સ્વાસ્થ્ય અને ઉદ્યોગમાં પ્રથમ ક્રમે, જ્યારે ઊર્જા-જળવાયુમાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં પ્રથમ ક્રમે રહ્યું છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત રાજ્ય ૩૦ ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે. 

ગુજરાતના છેલ્લા ૧૦ વર્ષમાં ૮.૨ ટકાના વિકાસ દરથી વૃદ્ધિ કરી છે. કોરોના મહામારીમાંથી વિશ્વ ઊભું પણ થયું નહોતું તેવામાં ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકારે છેલ્લા એક વર્ષમાં આ વૃદ્ધિ દરને જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં છેલ્લા ૮ વર્ષોમાં ૩૧.૩ લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે, જેમાંથી માત્ર ૫૭ ટકા એટલે કે ૧૭.૭ લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ માત્ર ગુજરાતમાંથી જ આવ્યું છે. 

ગુજરાતે આજે સેમીકંડક્ટરના નિર્માણક્ષેત્રે અંદાજે ૧.૪૦ લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે, જે ૧ લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડશે. ગુજરાતમાં આજે ૯૮ ટકાથી વધારે ઘરોમાં નળથી જળ મળે છે, જે પૈકી ૧૨ જિલ્લાના ૧૨૩ તાલુકા અને ૧૪,૪૭૭ ગામોમાં સો ટકા ઘરોમાં નલ સેજલ યોજના અંતર્ગત નળથી જળ મળે છે. તેમ તેમણે ઉમેર્યુ હતું. 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી  શાહે રાજ્યની સલામતી અને શાંતિ માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને બિરદાવતાં કહ્યું હતું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેણે નાર્કોટિક્સ વિરુદ્ધનું અભિયાન વધુ તેજ કર્યું છે અને લાખો કરોડો રૂપિયાનું ડ્રગ ઝડપીને નશાનો કારોબારને અટકાવ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ નાર્કોટિક્સ ડ્રગ્સ પકડનારું રાજ્ય ગુજરાત છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે ૨૦ વર્ષના સમયગાળામાં ગુજરાતનો જે વિકાસ થયો, લોકોનો ઉત્કર્ષ થયો તે બેજોડ છે. આ ૨૦ વર્ષમાં ગુજરાતે અનેક સિદ્ધિઓ મેળવી છે, અપાર ઉપલબ્ધિઓ મેળવી, અખૂટ વિકાસ કર્યો છે તો સરકારે જનતાનો અતૂટ વિશ્વાસ સંપાદિત કર્યો છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતના આ ૨૦ વર્ષ પ્રાયોરિટી પોલિસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. ગુજરાત સરકારે જન કલ્યાણ અને વિકાસના કામોને હંમેશા પ્રાથમિકતા આપી છે, ગુજરાતને એક પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે, તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક માનાંક અને સૂચકાંકોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના પાછલા બે દાયકા એડવાન્સમેન્ટ, એમ્પાવરમેંટ અને ડેવલપમેન્ટને વરેલા રહ્યા છે સરકારે મહિલા, બાળકો, વિદ્યાર્થી, ખેડૂત, ગરીબ, વંચિત, આદિવાસી એવા તમામ વર્ગને વિકાસનો આધાર આપી સશક્ત બનાવ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના મહામારી દરમિયાન દેશને આગવું નેતૃત્વ પૂરું પાડી વિશ્વનું સૌથી મોટું નિશુલ્ક રસીકરણ અભિયાન ચલાવી, ગરીબો માટે ભોજન- રાશનની વ્યવસ્થા કરી અને અર્થતંત્રને ગતિમાન પણ રાખ્યું છે. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ આરંભેલી ગુજરાતની વિકાસ યાત્રાના વાહક તરીકે પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પછી તેમને  સેવાદાયિત્વ મળ્યું છે ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રા વધુ તેજ ગતિએ આગળ લઈ જવા તેમની ટીમ અવિરત કાર્યરત છે.

આ સંદર્ભે તેમણે કહ્યું કે, કોરોના મહામારીની માઠી અસરોને પહોંચી વળીને આ વર્ષે સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂ. ર.૪૪ લાખ કરોડનું બજેટ આપ્યું છે. મહિલાઓ માટેના ઉત્કર્ષ અને તે માટેની યોજનાઓ માટેની નાણાકીય જોગવાઈમાં ૪૨% નો માતબર વધારો કર્યો છે. સગર્ભા માતા અને બાળકના સ્વાસ્થ્યની ૧ હજાર દિવસ સુધી સંપૂર્ણ દરકાર કરતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારે જનહિતલક્ષી અભિગમ અપનાવી આવકના દાખલાની સમયાવધિ ૩ વર્ષ કરવી, નિયત સેવાઓમાંથી એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવી, તેમજ દિવ્યાંગતા પ્રમાણપત્ર અને એસ.ટી. બસ પાસની સમયાવધિ આજીવન કરી આપવા જેવા પગલાં લીધા છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી, આંતરિયાળ વિસ્તારોમાં નહેરોથી સિંચાઈના પાણી, જલ જીવન મિશન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ઇલેક્ટ્રોનિક એફ.આઇ.આર. સુવિધા વગેરે યોજનાઓ અને વિકાસ પ્રકલ્પોની સફળતાની માહિતી આપી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં સરકાર બે વર્ષમાં ૫૦૦ જેટલા નવા મોબાઈલ ટાવર ઉભા કરવા જઈ રહી છે, આદિવાસીઓને આજીવિકા મળી રહે તે માટે વાંસ વિતરણ પણ સરકારે કર્યું છે. આ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને નિશુલ્ક ગણવેશ આપવામાં આવે છે તેમજ આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પી.એચ.ડી સ્કોલરશીપમાં વધારો કરી રૂ. ૧ લાખ કરવામાં આવી છે.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૨૦ વર્ષમાં રાજ્યમાં ધાન્ય પાકનું ઉત્પાદન ૨૩.૪૮ લાખ મેટ્રીક ટનથી વધી ૮૩.૨૫ લાખ મેટ્રીક ટન પર પહોંચ્યું છે, બાગાયતી પાકનું ઉત્પાદન ૬૨.૦૧ લાખ મેટ્રીક ટનથી વધી ૨૫૦.૫૨ લાખ મેટ્રીક ટન પર પહોંચ્યું છે, ચેકડેમની સંખ્યા ૩૫૦૦ થી વધીને ૧.૬૫ લાખ પર પહોંચી છે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખથી વધી ૮.૬૬ લાખ થઇ છે તેમજ ઔદ્યોગિક ઉત્પાદન ૧.૨૭ લાખ કરોડથી વધી ૧૬.૧૯ લાખ કરોડ પર પહોંચ્યું છે. 

મુખ્યમંત્રીશ્રીએ સત્તાનો મદ કે ગુમાન વિના જનસેવા અને સુશાસનની કાર્ય સંસ્કૃતિ રાજ્યમાં વિકસી હોવાનો મત વ્યક્ત કરી, વિશ્વાસથી વિકાસની યાત્રાને અવિરત રાખવા માટે ગુજરાતના નાગરિકોનો સાથ સહકાર અને આશીર્વાદ સરકારને સતત મળતા રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે મહાનુભાવોનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ અને વિશ્વાસ એકબીજાના પર્યાય બની ગયા છે.  ૨૦ વર્ષમાં ગુજરાતે તમામ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે દેશ માટે મોડલ બની ગઇ છે. તેમજ દેશના વિકાસનું ગુજરાત ગ્રોથ એંજિન બની ગયું છે. રાજ્યમાં સર્વાગી વિકાસની અવરિત યાત્રા ચાલું છે. ટીમ ગુજરાતની અથાગ મહેનત થકી રાજ્યને ગુડ ગવર્ન્સમાં સમગ્ર દેશમાં રાજ્યને ૨૦૨૧માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. તેની સાથે સામાજિક ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર કાર્ય કરીને દેશમાં આરોગ્ય ક્ષેત્રે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે રાજ્યનું વિદ્યાસમીક્ષા કેન્દ્ર આજે દેશનું રોલ કેન્દ્ર બની ગયું છે.

આ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શ્રી શંભુજી ઠાકોર અને બલરાજસિંહ ચૌહાણ, પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાશનાથન, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે. રાકેશ સહિત ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા.    

(5:31 pm IST)