Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગાંધીનગર નજીક સરઢવમાં સેક્ટર-24ના યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાથી મૃત્યુ નીપજ્યું

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સરઢવ રૃપાલ માર્ગ ઉપર ગઇકાલે રાત્રે બાઇક લઇને પસાર થઇ રહેલા સેક્ટર-૨૪ના યુવાનને અડફેટે લઇને અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો અને આ અકસ્માતની ઘટનામાં યુવાનનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. પેથાપુરા પોલીસે તેના પિતાની ફરિયાદને આધારે વાહનચાલકની શોધખોળ શરૃ કરી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની સાથે હિટ એન્ડ રનની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગાઇકાલે રાત્રે રૃપાલ સરઢવ માર્ગ ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં સેક્ટર-૨૪ના યુવાનું મોત થયું હતું. સેક્ટર-૨૪ની ઇન્દિરાનગર વસાહતમાં રહેતો ૨૫ વર્ષિય યુવાન જયેશ માધાભાઇ સોલંકી ગઇકાલે રાત્રે તેનું બાઇક લઇને સરઢવ ખાતે સીએનજી પમ્પ ઉપર નોકરી ઉપર જવા માટે નિકળ્યો હતો. આ દરમ્યાન રૃપાલથી સરઢવ જવાના માર્ગ ઉપર સાથિયા પાર્ટીપ્લોટ પાસે જયેશ પસાર થઇ રહ્યો હતો ત્યારે કોઇ અજાણ્યો વાહનચાલક તેને અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો. જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓને કારણે તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.અકસ્માતની આ ઘટના અંગે તેના પિતાની ફરિયાદને આધારે પેથાપુર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે.

(6:03 pm IST)