Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગાંધીનગરના ખોરજ નજીક પોલીસે કારનો પીછો કરી દારૂ-બિયરની 80 બોટલ જપ્ત કરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હાઇવે માર્ગો ઉપર દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે અડાલજ પોલીસે વૈષ્ણોદેવીથી દારૃ ભરેલી કારનો પીછો કરીને ખોરજ પાસે ઝડપી લીધી હતી અને તેમાંથી વિદેશી દારૃ-બિયરની ૮૦ બોટલ કબ્જે કરી હતી. ઉવારસદના શખ્સને ઝડપી લઇને ૪.૨૭ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં દારૃબંધી હોવા છતા પરપ્રાંતમાંથી મોટાપ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હોય છે ત્યારે ગાંધીનગર પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને દારૃના જથ્થા પકડવા મથી રહી છે. અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને મહેસાણા-અડાલજ હાઇવે થઇને અમદાવાદ જવાની છે.જે બાતમીના પગલે પોલીસ ટીમ વૈષ્ણોદેવી સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો પરંતુ તેના ચાલકે કાર હંકારી લીધી હતી જેથી પોલીસે ફિલ્મીઢબે તેનો પીછો કરીને ખોરજ પાસેથી ઝડપી લીધી હતી. જેમાં સવાર ઉવારસદના નગીન પ્રહલાદજી ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી અને કારમાંથી દારૃ-બિયરની ૮૦ બોટલ મળીને ૪.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૃ ક્યાંથી લવાયો હતો અને ક્યાં આપવાનો હતો તે જાણવા માટે પોલીસે પુછપરછ શરૃ છે.

(6:03 pm IST)