Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં માથાભારે તત્વોનો આતંક:ચાઇનીઝની લારી ચલાવતા યુવાનના પુત્રને માર મારી ધમકી આપતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં માથાભારે તત્ત્વો બેફામ બન્યા છે. ભેસ્તાન આવાસમાં રહેતા માથાભારે યુવાને ત્યાં ચાઈનીઝની લારી ચલાવતા યુવાનના પુત્રએ તરત નાસ્તો નહીં બનાવી આપતા તેને માર માર્યા બાદ ચાઈનીઝ લારીના માલિકને ધમકી આપી હપ્તો માંગ્યો હતો અને લારીમાં તોડફોડ કરી હતી.બનાવના બે મહિના બાદ ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી ભેસ્તાન આવાસ બિલ્ડીંગ નં.એ/148 રૂમ નં.1 માં રહેતો 35 વર્ષીય શરીફખાન સલીમખાન પઠાણ કમેલા દરવાજા અન્નપૂર્ણા ટેક્ષટાઈલ માર્કેટમાં ક્લાસીક ફેશનમાં સાડી કટીંગનો કોન્ટ્રાકટ ધરાવે છે અને ભેસ્તાન આવાસ અર્બન હેલ્થ સેન્ટરની સામે ટોપ ચાઇનીઝ દાતાર કા કરમ નામની ચાઇનીઝની લારી ચલાવે છે.ગત 14 જુલાઈની સાંજે તેનો પુત્ર ફઈમ લારી ચાલુ કરવા માટે સામાન ગોઠવતો હતો ત્યારે ભેસ્તાન આવાસમાં જ બિલ્ડીંગ નં.સી/74 રૂમ નં.3 માં રહેતો માથાભારે અરબાઝ ઉર્ફે બીલ્લી બશીરખાન પઠાણ ( ઉ.વ.25 ) ત્યાં આવ્યો હતો અને ફઇમને તરત નાસ્તો બનાવી આપવા કહ્યું હતું.જોકે, ફઈમે સામાન ગોઠવવાનો બાકી હોય ના પાડતા અરબાઝ ઉર્ફે બીલ્લીએ તેની સાથે ગાળાગાળી કરી તમાચા મારી દીધા હતા.ફઈમે આ અંગે ફોન કરી જાણ કરતા શરીફખાન લારી પર પહોંચ્યો હતો અને અરબાઝ ઉર્ફે બીલ્લીને સમજાવ્યો હતો.જોકે, અરબાઝ ઉર્ફે બીલ્લીએ તેને ધમકી આપી હતી કે તુઝે ઇધર લારી ચલાના હે તો મુજે હપ્તા દેના પડેગા વરના મે રાત કો વાપીસ આઉંગા ઓર તુમ્હારી લારી ઓર હાથ પેર દોનો તોડ દુંગા. ત્યાર બાદ 18 મી ની રાત્રે ફઈમ લારી બંધ કરી ગયો ત્યાર બાદ અરબાઝ ઉર્ફે બીલ્લીએ ત્યાં જઈ લારીના લોખંડના પતરા, દરવાજા અને ખુરશીની તોડફોડ કરી હતી.બે મહિના અગાઉની ઘટનામાં શરીફખાને ગતરોજ અરબાઝ ઉર્ફે બીલ્લી વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:04 pm IST)