Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વડોદરા:નવાપુરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના ઘરેથી 24 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

વડોદરા: નવાપુરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમિકાના ઘરેથી લોહી લુહાણ હાલતમાં મળી આવેલ 24 વર્ષીય યુવકનું મોત નીપજતા મૃતકના પરિજનોએ યુવતી સહિતના સંબંધીઓ સામે શંકા ઉપજાવી પોલીસ પાસે તટસ્થ તપાસની માંગ કરી છે. હાલ યુવકનું મોત ખરેખર કઈ રીતે થયું તે દિશામાં પોલીસે મૃતદેહની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરી શકમંદોની પૂછતાછ હાથ ધરી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા કનૈયાલાલ સોલંકીનો 24 વર્ષીય પુત્ર હર્ષ સોલંકીને વિસ્તારમાં જ રહેતી સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.  જે અંગે બંનેના પરિવારજનોને જાણ હતી. ગઈકાલે તે યુવતીને મળવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન રાત્રે અઢી વાગ્યાના સુમારે કથિત ઘટના ઘટી હોવાના મેસેજ મળતા યુવકના પરિવારજનો યુવતીના ઘરે દોડી ગયા હતા. જ્યાં હર્ષ લોહી લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં જમીન પર નજરે ચડ્યો હતો. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સાડા ત્રણ વાગ્યાના સુમારે હર્ષને મૃત જાહેર કરાયો હતો. મૃતકના પરિવારજનોએ યુવતીના સંબંધી સામે શંકા ઉપજાવતા નવાપુરા પોલીસે બનાવ સંદર્ભે મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી શકમંદોની અટકાતયત સાથે પૂછપરછ શરૂ કરી છે. અકસ્માતે મોતના ગુના બાદ નવાપુરા  પોલીસ હત્યાનો ગુનો નોંધે તેવી શક્યતા છે.

(6:04 pm IST)