Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજ્યના તલાટી કમ મંત્રીઓ આનંદો : ખાસ માસિક ભથ્થામાં આખરે સરકારે કર્યો વધારો

રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત બાદ સરકારે હકારાત્મક અભિગમ દાખવી માસિક ભથ્થું વધારીને 3000 સુધી કર્યું: અગાઉ તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ માસિક ભથ્થું મળતું હતું.

અમદાવાદ : રાજ્યમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની વિવિધ રજૂઆતો બાદ આખરે રાજ્ય સરકારે તેમના ભથ્થામાં વધારો કરવાનો ઠરાવ કર્યો છે. જે મુજબ હવે તલાટી કમ મંત્રીઓને દર મહિને 3000 રુપિયા ખાસ માસિક ભથ્થું આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પહેલાં તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ માસિક ભથ્થું મળતું હતું.

સરકારે આજે બહાર પાડેલ ઠરાવ મુજબ રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત બાદ સરકારે હકારાત્મક અભિગમ દાખવી માસિક ભથ્થું વધારીને 3000 સુધી કર્યું છે. વર્ષ 2012 બાદ ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે તલાટી કમ મંત્રીઓની કામગીરીમાં વધારો થયો હતો. જુના ભથ્થાના ઠરાવ મુજબ તલાટીઓને દર મહિને 900 રુપિયા ખાસ ભથ્થું મળતું હતું તે ઠારવને પણ 10 વર્ષ જેટલો સમય વિતવાથી હવે સરકારે ભથ્થામાં 2100 રુપિયાનો વધારો કર્યો છે. આ નવા ઠરાવ મુજબ હવે 13 સપ્ટેમ્બર 2022થી આ હુકમ લાગુ પડશે અને રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓને આ નિર્ણયનો લાભ મળશે. 

(7:09 pm IST)