Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગુજરાત કેડરના IPS અધિકારી સતીશચંદ્ર વર્મા સસ્પેન્ડ; 30 સપ્ટેમ્બરે સેવા નિવૃત થવાના હતા

સતીષ વર્મા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં SITનો ભાગ હતા: 1986 બેંચના અધિકારી સતીશ વર્માને તેમના વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહીના આધાર પર સસ્પેન્ડ કરાયા

અમદાવાદ :કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને સેવામાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સતીષ વર્મા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં SITનો ભાગ હતા. સતીશ વર્મા 30 સપ્ટેમ્બરે સેવા નિવૃત થવાના હતા પરંતુ આ પહેલા જ સરકારે તેમણે સેવામાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રોનું કહેવુ છે કે 1986 બેંચના અધિકારી સતીશ વર્માને તેમના વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહીના આધાર પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી હાઇકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સતીશ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

કેન્દ્ર સરકારે 30 ઓગસ્ટે સસ્પેન્શનના આદેશ અંગે દિલ્હી હાઇકોર્ટને જાણ કરી હતી, જ્યા સતીશ વર્માએ તેમના વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહીને પડકાર આપ્યો હતો. હાઇકોર્ટે સરકારને 19 સપ્ટેમ્બરથી સસ્પેન્શન આદેશને લાગુ કરવાની પરવાનગી આપી હતી. સતીશ વર્માના વકીલ સરીમ નાવેદે કહ્યુ- અમારી પાસે હજુ પણ સપ્ટેમ્બર સુધીનો સમય છે, અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

હાઇકોર્ટના આદેશને પડકાર આપતા, સતીશ વર્મા જે વર્તમાનમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)માં તૈનાત છે, તેમણે સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં કહ્યુ, “હાઇકોર્ટે કેન્દ્રના તે નિર્ણય પર પોતાની સહમતિ આપી છે જેમાં અરજી કરનારને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અહી નોંધવાની વાત આ છે કે આગામી 30 સપ્ટેમ્બરે અરજી કરનાર સેવા નિવૃત થઇ રહ્યા છે. આ અખિલ ભારતીય સેવાના વૈધાનિક નિયમ અનુસાર સ્વીકાર્ય નથી.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા ગૃહ મંત્રાલય (MHA)એ સપ્ટેમ્બર 2018માં સતીશ વર્માને એક ચાર્જ મેમો જાહેર કર્યો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે જુલાઇ 2016માં નીપકો (નૉર્થ ઇર્સ્ટન ઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન)ના મુખ્ય સીવીઓ પદેથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે લાંબા સમય સુધી ફાઇલો પોતાની પાસે રાખી હતી અને હેન્ડ ઓવર કરી નહતી. આ ઘટનામાં મીડિયા સાથે વાત કરવા સહિત તેમના વિરૂદ્ધ કેટલાક અનુશાસનાત્મક આરોપ લગાવવામાં આવ્યા છે.

ઇશરત જહાં કેસના તપાસ અધિકારીના રૂપમાં સતીશ વર્માએ 2011માં ગુજરાત હાઇકોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યુ હતુ કે 19 વર્ષીય ઇશરત જહાંને જૂન 2004માં એક ફેક અથડામણમાં ઠાર મારવામાં આવી હતી, આ એન્કાઉન્ટરમાં તેની સાથે બે અન્ય લોકોને પણ મારવામાં આવ્યા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે ત્રણેયનું આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સબંધ હતા. જ્યારે ઇશરત કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો તો સતીશ વર્મા ગુજરાત હાઇકોર્ટના આદેશ પર તપાસ ટીમ સાથે જોડાયેલા રહ્યા હતા

(7:38 pm IST)