Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કેન્દ્રિય આઇ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીની મુલાકાત લીધી

ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સ્ટાર્ટઅપ્સને નિહાળ્યા બાદ આઇ.આઇ.ટીના વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનસભર વાર્તાલાપ કર્યો

અમદાવાદ :કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને આઇ.ટી, કોમ્યુનિકેશન એન્ડ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીની આજે મુલાકાત લીધી હતી અને તાલીમ પામેલા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ૨૩થી વધુ સંશોધન અને સ્ટાર્ટ અપ નિદર્શનની મુલાકાત લઇ તેમના સ્ટાર્ટઅપ્સને નિહાળ્યા હતા. ત્યાર બાદ મંત્રીએ આઇ.આઇ.ટીયન્સ સાથે જ્ઞાનસભર વાર્તાલાપ કર્યો હતો.
મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રવર્તમાન સંશોધનો અંગે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ અપ સંચાલકો અને પ્રોફેસર સાથે સમિક્ષા કરી હતી. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ડિજિટલ ઇન્ડિયા’, ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ સહિતની વિવિધ પહેલ થકી જે ઇકો સિસ્ટમ ઊભી કરી છે તેનાથી આજે વિદ્યાર્થીઓ તૈયાર થઈને રોજગાર વાંચ્છુને બદલે રોજગાર આપનાર બની રહ્યા છે. ઇન્ડસ્ટ્રી અને એકેડમીયાનુ જોડાણ થઇ રહ્યુ છે. એટલુ જ નહિ, ઉદ્યોગો પોતાના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે આઇઆઇટીનો સહયોગ લઈ રહ્યા છે જે દેશમાં સંશોધન અને સ્ટાર્ટ અપના વિકાસ ક્ષેત્રે હકારાત્મક વાતાવરણ ઊભું કરી રહ્યુ છે.

   
(8:14 pm IST)