Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સપના વેચનારાઓને ગુજરાતમાં ક્યારેય ચૂંટણી સફળતા નહી મળે: ગૃહમંત્રી અમિતભાઇ શાહના 'આપ' પર પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રીએ મુખ્યમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યુ કે સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી બે તૃતિયાંશ બહુમત સાથે ફરી એક વખત સરકાર બનાવશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ધરાવતી આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યુ કે જે લોકો સપના વેચે છે, તે ગુજરાતમાં ક્યારેય નહી જીતે. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ડિઝિટલ રીતે એક કાર્યક્રમને સંબોધિત કરતા અમિતભાઈ  શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યુ કે સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી બે તૃતિયાંશ બહુમત સાથે ફરી એક વખત સરકાર બનાવશે.

અમિતભાઈ  શાહે ભૂપેન્દ્રભાઈ  પટેલના મુખ્યમંત્રી પદ પર એક વર્ષ પૂર્ણ થવાની સિદ્ધિમાં ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ, ‘સપના વેચનારાઓને ગુજરાતમાં ક્યારેય ચૂંટણી સફળતા નહી મળે. હું ગુજરાતના લોકોને જાણુ છુ. સપના વેચનારાઓને ગુજરાતમાં ક્યારેય સફળતા નથી મળી શકતી, કારણ કે જનતા તેમનું જ સમર્થન કરે છે જે કામ કરવામાં વિશ્વાસ રાખે છે, માટે લોકો ભાજપની સાથે છે. ભાજપ શાનદાર જીત મેળવશે.’

અમિતભાઈ  શાહે કહ્યુ, ‘હું ભૂપેન્દ્ર ભાઇને કહેવા માંગુ છું કે ગુજરાતની જનતા ભાજપની સાથે છે. હું સ્પષ્ટ રીતે જોઇ શકુ છુ કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ  મોદી અને તમારા નેતૃત્વમાં ભાજપ આગામી ચૂંટણીમાં ફરી એક વખત બે-તૃતિયાંશ બહુમત સાથે સરકાર બનાવશે

(8:25 pm IST)