Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજપીપળા સહિત જિલ્લામાં રેશનકાર્ડમાં મળતી તુવેરદાળ દર મહિને બહુ મોડી મળતા ગ્રાહકો હેરાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા સમયથી રેશનકાર્ડ પર નભતા પરિવારો તકલીફ માં મુકાયા છે જેમાં બજારમાં સૌથી મોંઘી મળતી તુવેરદાળ કાર્ડ પર આપવા સરકાર ભલે જાહેરાત કરે છે પરંતુ કાર્ડ ધારકોને દર મહિને દાળ માટે ધક્કા ખાવા પડે છે

જાણવા મળ્યા મુજબ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આવેલી પુરવઠા દુકાનોના સંચાલકો પોતાના કાર્ડ મુજબ દરેક જથ્થા ની પરમીટ એડવાન્સ કઢાવતા હોય છે પરંતુ ત્યારબાદ ઘઉં,ચોખા અને તુવેરદાળ પૈકી તુવેરદાળનો જથ્થો મહિનાના અંતમાં જ દુકાનદારો ને મળતો હોવાથી અગાઉ અનાજ લઇ ગયેલા ગ્રાહકોએ ફરી દાળ લેવા જવું પડે છે જેમાં ક્યારેક દુકાનદારો દાળ પૂરી થઈ ગઈ તેમ જણાવે તો ગ્રાહકે પરત ફરવું પડતું હોય છે તો સરકાર દ્વારા અપાતી તુવેરદાળ ક્યાં જાય છે..? એ સવાલ ઉઠ્યા છે.

ગાંધીનગર પુરવઠા નિગમના એમ.ડી.તુષારભાઈ ધોળકિયા સાથે ટેલીફોનીક વાત કરી તો જાણવા મળ્યું કે દુકાનદાર જેટલા જથ્થાની પરમીટ કઢાવે તેટલો જ જથ્થો તેને ગોડાઉન માથી મળે છે માટે દુકાનદારે તેના કાર્ડ ધારકો મુજબની પરમીટ કઢાવવી જોઇયે અને દર મહિને લેટ આવતી દાળ બાબતે હું તમારા જિલ્લાના અધિકારી સાથે વાત કરીશ.

(10:43 pm IST)