Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજપીપળા APH ખાતે રાજ્ય કક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં વિશ્વાસથી વિકાસયાત્રાનો કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના હસ્તે આજે રાજપીપલા અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા સંકુલમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યામભાઇ પટેલ, વિક્રમભાઇ તડવી, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને જિલ્લાવાસીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના જિલ્લા કક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
રાજપીપલા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” ના ઉક્ત કાર્યક્રમમાં મંત્રી વિનોદભાઇ મોરડીયાએ અંદાજે રૂા.૧૯.૯૫ કરોડથી વધુના ખર્ચના ૨૫ જેટલા વિવિધ વિકાસકામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરી ડિજીટલી લોકાર્પણ-ખાતમુર્હૂતની તકતીનું અનાવરણ કર્યું હતું.
મંત્રી વિનોદભાઇ મોરડીયાએ જિલ્લા કક્ષાના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, વિકાસ મોડેલને ચરિતાર્થ કરનાર ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ જારી રાખી છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે વિશ્વના ફલક ઉપર એક અલગ પ્રભાવ પાડ્યો છે. ગુજરાતની સાથોસાથ નર્મદા જિલ્લો પણ વિકાસની મુખ્યધારામાં આવી ગયો છે. બે દાયકા અગાઉના અને હાલના પ્રવર્તમાન સમયની સરખામણીએ જિલ્લાનો વિકાસ આંખે ઉડીને વળગે તે રીતની પ્રગતિ થઇ રહી છે. પ્રજાજનોની મૂળભૂત જરૂરિયાત સંતોષવાની દિશામાં જિલ્લામાં નોંધપાત્ર કામગીરી થઇ છે. છેવાડાના ગરીબ માણસોના પોતાના પાકા મકાનની છતનું સ્વપ્ન સાકાર કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના સફળ સુકાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યું છે. તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને પ્રેરણા પૂરી પાડવાનો છે આપણે સૌએ તેને જોઈને કંઈક ને કંઈક પ્રેરણા લેવાની છે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના વ્યક્તિનો વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં સરકાર દ્વારા વિકાસના અનેકવિધ કામો અસરકારાક રીતે કરવામાં આવી રહ્યા છે. આજે આદિવાસી અધિકાર દિવસ પણ ઉજવાઇ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપુરૂષોના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લેવાની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે આદિવાસીઓ માટેના ઐતિહાસિક નિર્ણયો પણ કર્યા છે અને વનબંધુ કલ્યાણ યોજના જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ સરકારે આપણને ભેટમાં આપી છે.
આ પ્રસંગે ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, નંદનવન એવા નર્મદા જિલ્લાને આપણે સૌ સાથે મળી વધુ સુંદર બનાવીએ કારણ કે નર્મદા જિલ્લાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી અમૂલ્ય ભેટ આપીને જિલ્લાનું નામ વિશ્વમાં અંકિત કરાવ્યું છે, ત્યારે જિલ્લાના થઈ રહેલા વિકાસમાં આપણે સહભાગી બની આપણા જિલ્લાને વિશ્વમાં નામના અપાવીએ તેવી આ તબક્કે તેમણે અભિલાષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારિઓ, શહેર-જિલ્લાના અગ્રણીઓ, શહેર-જિલ્લાવાસીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભમાં પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધિયાએ તેમના સ્વાગત પ્રવચમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં રાજપીપલાના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણીએ આભારદર્શન કર્યું હતું.

(10:45 pm IST)