Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા 15 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના

અમદાવાદ : રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક  મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જે મુજબ આગામી 14 સપ્ટેમ્બરના રોજ સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા 15 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

સિંચાઈ વિભાગના અધિકારીએ આ બેઠકમાં રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩૨૪૩૭૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 97.10 ટકા છે. રાજયનાં 206 જળાશયોમાં 476235 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 85.32 ટકા છે. હાલમાં રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર, 16 જળાશય એલર્ટ ૫ર તેમજ 17 જળાશય વોર્નીગ ઉ૫ર છે.

કૃષિ વિભાગના અધિકારીએ રાજ્યમાં થયેલા વાવેતર અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે તા.12 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 84,16,795 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 82,83,010 હેક્ટર વાવેતર થયું હતુ.

(12:44 am IST)